તા.૧૦
કોરિયા અને ગુજરાત વચ્ચે વેપાર અને ઔદ્યોગિક ક્ષેત્રે સંબંધો વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકારે નક્કર પગલું ભરીને કોરિયા ટ્રેડ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી (કોટ્રા) સાથે એમઓયુ કર્યા છે. નવી દિલ્હી ખાતે રાજ્ય સરકારના ઔદ્યોગિક અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કોટ્રા સાથે કેમિકલ, પેટ્રોકેમિકલ ફાર્માસ્યુટિકલ્સ, નવીન અને પુનઃપ્રાપ્ત ઉર્જા, સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ, ટેક્સટાઈલ અને એપરલ્સ શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફૂડ પ્રોેસેસિંગ, એગ્રો સંબંધિત ઉદ્યોગો, કૌશલ્ય વિકાસ અને તાલીમ, ઓટોમોબાઈલ ક્ષેત્રે સમજૂતી જેવા મહત્ત્વના ક્ષેત્રો પર આ એમઓયુમાં ધ્યાન કેન્દ્રિત કરાશે. ઉલ્લેખનીય છે કે કોટ્રાએ રિપબ્લિક ઓફ કોરિયાની સરકાર દ્વારા સંચાલિત નેશનલ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન સંસ્થા છે.
ગુજરાત સરકાર વતી ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્ર સચિવ એમ.કે. દાસ અને કોટ્રા વતી ડો. ક્વોન પ્યુંગ દ્વારા એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા. કોરિયા અને ગુજરાત વચ્ચે વેપાર અને ઔદ્યોગિક રોકાણના સંબંધોને વધુ આગળ ધપાવવા અને મજબૂત કરવા તથા બંને વચ્ચે સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે આ એમઓયુ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને કોટ્રા બંને સાથે મળીને એકબીજાના પ્રતિનિધિ મંડળને સહયોગ પૂરો પાડશે. કોટ્રા આગામી ૧૮થી ર૦ જાન્યુઆરી ર૦૧૯ દરમિયાન યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯માં ભાગ લેશે. ગુજરાત અને દક્ષિણ કોરિયા વચ્ચે ખાસ કરીને વેપાર અને આર્થિક સહકારની સુવિધા માટે કોટ્રા દ્વારા અમદાવાદમાં એક ઓફિસ શરૂ કરવામાં આવશે. હાલમાં નવી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને બેંગ્લુરૂમાં કોટ્રાની ઓફિસો કાર્યરત છે.
આગામી સમયમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાતના પ્રમોશન માટે ગુજરાતનું ડેલિગેશન દક્ષિણ કોરિયાની મુલાકાત લઈ, ગુજરાતમાં વધુ રોકાણ કરવા પ્રોત્સાહિત કરી આમંત્રણ આપશે.
એમઓયુના પરિણામ સ્વરૂપે બંને પ્રદેશો વચ્ચે સંબંધોને નવી દિશા પ્રાપ્ત થશે તેમજ સામાજિક-આર્થિક વિકાસના ક્ષેત્રોમાં એકબીજાને વધારે નજીક લાવવા સફળતા મળશે.