કોસંબામાં યુવતીની ચોટલી કાપી તેના જ ખોળામાં નાખી મહિલા ફરાર

કીમ, તા.૧૩
ભારત દેશના કેટલાક વિસ્તારોમાં હાલમાં ચોટી કાપવાની ઘટના બની રહી છે બે દિવસ પહેલાં કીમમાં ચોટી કાપવાની બનેલી ઘટનાની શાહી હજી સૂકાઈ નથી ત્યાંના કોસંબામાં ઈદગાહ ફળિયા ખાતે ૧૮ વર્ષની તરૂણીની કોઈ અજાણી સ્ત્રીઓ પલકવારમાં જ ચોટી કાપી તે તરૂણીના જ ખોળામાં નાંખી ફરાર થઈ જતાં કોસંબા વિસ્તારમાં ભારે ગભરાટનો માહોલ છવાયાની સાથો-સાથ કોસંબા સહિત માંગરોળના તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઘટનાસ્થળેથી મળેલી વિગત મુજબ કોસંબાના ઈદગાહ ફળિયામાં રહેતા અમીનભાઈ શેખ પોતાના પરિવાર સાથે ઘરમાં સૂતા હતા ત્યારે તેમની ૧૮ વર્ષની તબસ્સુમ સવારે સાત વાગ્યે ઉઠીને પોતાના ઘરના વાડામાં બાંધેલા પોતાના બકરાઓને ચારો નાંખવા ગઈ હતી અને ચારો નાંખી હજી ઘરમાં પરત થતી હતી. ત્યાં અચાનક પાછળથી તેને કોઈ બુરખાધારી અજાણી મહિલાએ પકડીને જમીન પર બેસાડી દઈ કંઈક તબસ્સુમ સમજે તે પહેલાં તેના માથાની લાંબા વાળવાળી ચોટી કાપીને તેના જ ખોળામાં નાંખી દીધી હતી. તબસ્સુમ બનાવને પગલે એકદમ ગભરાઈ ગઈ હતી છતાં તેણે પાછળ ફરીને જોતા ચોટી કાપનારી મહિલા બુરખામાં હતી અને કબ્રસ્તાન તરફ ઝડપભેર ચાલતી જઈ રહી હતી. તબસ્સુમે હાથમાં કાપેલી ચોટી લઈ ઘરમાં દોડી ગઈ હતી અને ઘરમાં સૂતેલા માતા-પિતાને જગાડીને બનેલી ઘટના અંગે જાણ કરતાં જ સૌ કોઈ કબ્રસ્તાન તરફ પેલી બુરખાધારી મહિલાને શોધવા લોકોએ દોટ લગાવી હતી પરંતુ એ બુરખાધારી મહિલા હાથમાં આવી જ ન હતી. આ બાબતે તાત્કાલિક નંબર પર ડાયલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોસંબા પોલીસમાં જાણ કરી બનાવ અંગે કોસંબા પોલીસ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks