(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧
ઉત્તર કર્ણાટકને અલગ રાજ્ય ઘોષિત કરવાની માગણીના પગલે રાજ્યના મુખ્યમંત્રી એચ.ડી.કુમાર સ્વામીએ મંગળવારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કેટલીક સરકારી કચેરીઓને ઉત્તર કર્ણાટક ખાતે ખસેડશે, જેથી ભેદભાવ થતો હોવાના આરોપને ડામી શકાય.
કુમાર સ્વામીએ જણાવ્યું હતું કે, મારી સરકાર રાજ્યના વિકાસ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. હાલ અલગ રાજ્યની માંગને શાંત કરવા પર નજર છે, તેમણે જણાવ્યું હતું કે, આગામી વર્ષે લોકસભા ચૂંટણીના કારણે રાજકીય વિરોધીઓ દ્વારા એક કાવતરા રૂપે આ વિવાદ પેદા કરવામાં આવ્યો છે. જેથી તેને પહોંચી વળવા કેટલીક સરકારી કચેરીઓને ઉત્તર કર્ણાટક ખાતે ખસેડવા વિચારણા હાથ ધરવામાં આવી છે. ક્રિશ્ના ભાગ્ય જળ નિગમ સહિતની કચેરીઓ ઉત્તર ક્ષેત્રના જિલ્લામાં ખસેડાશે.
દરમિયાન કુમાર સ્વામીએ અલગ રાજ્યની માંગ કરી રહેલા સંગઠનોના સભ્યો સાથે મુલાકાત કરી તેમને યોગ્ય ખાતરી આપી હતી.