કચ્છમાં ચાર આતંકીઓ પ્રવેશ્યા હોવાના ઈનપુટ બાદ હાઈએલર્ટ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
કચ્છની દરિયાઈ સરહદમાંથી ચાર જેટલા આતંકવાદીઓ ઘૂસ્યાની દહેશત વચ્ચે હાઈએલર્ટ જાહેર કરી સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દઈ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. ઉપરાંત આખા કચ્છમાં પોલીસ પેટ્રોલિંગ અને કોમ્બિંગ સઘન કરી દેવાયું છે.
સુરક્ષા એજન્સીઓને મળેલી માહિતીના આધારે કચ્છની દરિયાઈ સરહદ ઉપરથી ચાર જેટલા આતંકવાદીઓ કચ્છમાં આવનાર છે અને આતંક ફેલાવે તેવી દહેશત વચ્ચે કચ્છમાં હાઇએલર્ટ કરી દેવામાં આવ્યું છે અને બીએસએફના આઇજી અજય તોમર કચ્છ દોડી આવ્યા છે અને સુરક્ષા એજન્સીઓ સાથે મીટિંગોનો ધમધમાટ શરૂ કર્યો છે. કચ્છમાં દરિયાઇ સરહદ ઉપર બીએસએફ, એસઓજી અને પોલીસની ટીમ દ્વારા કોમ્બીંગ હાથ ધરીને શંકાસ્પદ શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતીના આધારે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. ગણેશોત્સવ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ચારથી પાંચ આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની માહિતી મળતાં સમગ્ર ગુજરાતનું પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે. પાકિસ્તાની આતંકવાદીઓ ગુજરાત બોર્ડર થઈને અંદર આવ્યા હોવાના ઈનપુટ મળ્યાં છે, જેને પગલે કચ્છ પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કેન્દ્રીય એજન્સીમાંથી મળેલા ઈન્ટેલિજન્સના પગલે કચ્છ સરહદે બોર્ડર સિક્યોરિટી ફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડના જવાનોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગૃહવિભાગની સૂચનાના પગલે ગત રાત્રિથી જ આખા કચ્છમાં પોલીસનું પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું છે. મરીન અને કોસ્ટલ પોલીસ મથકના સ્ટાફે પણ પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks