ભૂજ, તા.૭
કચ્છમાં કોમી એકતા બગાડવાનો પ્રયાસ કરતા અસામાજિક તત્ત્વો દ્વારા ધાર્મિક સ્થળોમાં તોડફોડ તથા રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાને અપમાનિત કરવાના અને સમાજની લાગણી દુભાવવાના થઈ રહેલા ગેરકાયદેસર કામોને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના ગુજરાત પ્રદેશના સહસંયોજક મીરખાન પી. મુતવા-નદવીએ વખોડી કાઢેલ છે. તેમજ આવા નીચ કામો કરનારા શખ્સોને પકડી પાડી તેમને કડક સજા અપાવવાની લાગણી વ્યક્ત કરી છે. તેમજ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
એક અખબારી યાદીમાં તેમણે જણાવ્યું છે કે ભીમાસર ગામે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને બુટ-ચંપલનો હાર પહેરાવી અપમાનિત કરવાનો બનાવ, ભૂજના રાજગોર સ્મશાન ગૃહમાં મૂર્તિઓ તોડવાનો બનાવ, તેમજ અબડાસા તાલુકામાં દરગાહોમાં તોડફોડ કરવાનો બનાવ કોઈ રીતે ચલાવી શકાય નહી. તેમાં જવાબદાર વ્યક્તિઓને જલ્દીથી પકડી યોગ્ય સજા અપાવવી જોઈએ તેવી લાગણી અને માગણી તેમણે વ્યક્ત કરી છે.