ભૂજ, તા.૨૩
કચ્છમાં માંડવી-મુન્દ્રા વિધાનસભા બેઠક ઉપર કોણ વિજેતા બને છે તે અંગે લોકોને કે રાજકીય કાર્યકરોને ઉત્કંઠા જરૂર હોય પરંતુ સૌથી વધુ રસ અને ચિંતા તો મોટા ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ જગતને છે જી હા કેમ કે, માંડવી-મુન્દ્રા વિધાનસભા મતક્ષેત્ર હેઠળ અદાણી બંદર, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, ટાટા પાવર પ્રોજેક્ટ જેવા ઘણા બધા મોટા ઉદ્યોગગૃહો કાર્યરત છે. આ વિસ્તારમાં ધારાસભ્ય હોવાના નાતે ઘણા ધારાસભ્યો આવા ઉદ્યોગગૃહોની વિવિધ પ્રકારની નસ દબાવતા હોય છે અને દખલગીરી પણ કરતા હોય છે. જો કે આવા ઉદ્યોગગૃહો પણ દૂધે ધોયેલા ન હોવાથી સામે ચાલીને ધારાસભ્યોને આર્થિકબળ પૂરૂં પાડતા હોય છે. આવી સ્થિતિમાં આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ક્ષત્રિય અગ્રણી અને બધી રીતે તાકતવર એવા વિરેન્દ્રસિંહ જાડેજાને મુન્દ્રા-માંડવી બેઠક ઉપર ચૂંટણી જંગમાં ઉતારતા ઉદ્યોગગૃહોમાં થોડીક ચિંતા ઊભી થઈ છે કેમ કે, જો ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા અહી જીતી જાય તો ઉદ્યોગગૃહોની પરેશાની વધે તેમ છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ સોફ્ટ સ્વભાવની છાપ ધરાવે છે તેથી ઉદ્યોગગૃહો પણ તેમને પસંદ કરે તેવી ચર્ચા છે.