(એજન્સી) શ્રીનગર, તા.૪
યુદ્ધમાં સામેલ બંને તરફના કુટુંબો સાથે કાશ્મીરના સંઘર્ષે એક ખતરનાક વળાંક લીધો છે. છેલ્લા ત્રણ દશકથી ચાલતા ઘર્ષણમાં પહેલી વખત એવું બન્યું હશે કે કાશ્મીરના જુદા-જુદા ભાગોમાંથી ત્રાસવાદીઓ દ્વારા જમ્મુ અને કાશ્મીર પોલીસના અધિકારીઓના કુલ ૧૧ કુટુંબીજનોનું અપહરણ કરવામાં આવ્યું છે. સ્થાનિક ત્રાસવાદીઓના ઘરો સળગાવી નાંખવા અને ત્રાસવાદી કમાન્ડર રિયાઝ નેકૂના પિતાની ધરપકડને પગલે આ નવો ઘટનાક્રમ સર્જાયો છે. અહેવાલ અનુસાર, ર૯મી ઓગસ્ટના રોજ દળો દ્વારા જૈશના બે ત્રાસવાદીઓ શાહજહાંન અને સૈયદ નાવેદના ઘરો સળગાવી મૂકવામાં આવ્યા હતા. કાશ્મીરના શોપિયામાં ત્રાસવાદીઓ દ્વારા ચાર પોલીસ કર્મચારીઓની હત્યા કરાતાં સુરક્ષા દળોએ ઉક્ત કાર્યવાહી કરી હતી. આ જ દિવસે દક્ષિણ કાશ્મીરમાંથી ૧૮ સ્થાનિક યુવકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાના બે દિવસ બાદ હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર રિયાઝ નેકૂએ એ એક ઓડિયો સંદેશમાં પોલીસ કર્મચારીઓના પરિવારના સભ્યોના અપહરણની જવાબદારી સ્વીકારી હતી અને પોલીસ કસ્ટડીમાં રહેલા ત્રાસવાદીઓના કુટુંબીજનોની મુક્તિ માટે ત્રણ દિવસની “ડેડલાઈન” આપી હતી.