(એજન્સી) તા.૧૬
તાજેતરમાં જ મૃત્યુ પામેલા કુવૈતી કોમેડી એક્ટર અબ્દુલહુસૈન અબ્દેલ રિદા વિરુદ્ધ ટિ્વટ કરનારા ઉપદેશ અલી અલ રાબી વિરુદ્ધ સઉદી સરકારે તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઇએ કે શુક્રવાર સાંજે અબ્દેલ રાબીનું લંડનમાં નિધન થઇ ગયું હતું જોકે તેમના પર ટિપ્પણી કરતાં ઉપદેશકે કહ્યું હતું કે તે એક ઇરાની શિયા મુસ્લિમ હતો એટલા માટે લોકોએ તેના માટે પ્રાર્થના કે દુવા ન કરવી જોઇએ. જોકે શેખ અલી અલ-રાબીના આ ટિ્વટને કારણે જોરદાર વિરોધ વંટોળ સર્જાયો છે અને સોશિયલ મીડિયા પર પણ લોકો તેમનો રોષ ઠાલવી રહ્યાં છે. સઉદી અરબ અને તેના પાડોશી ગલ્ફ દેશોમાં હાલમાં પણ આ ચર્ચાનો વિષય બની ગયો છે. તેમણે ટિ્વટમાં લખ્યું હતું કે કોઇપણ મુસ્લિમને અબ્દુલહસૈન અબ્દેલ રિદા માટે ખુદા સમક્ષ પ્રાર્થના કરવાની પરવાનગી નથી કેમ કે તે ઇરાની શિયા મુસ્લિમ હતા. આવા લોકો માટે પ્રાર્થના કરનારા અને દયાભાવ રાખતાં લોકો પર ખુદાએ પ્રતિબંધ મૂક્યો છે. સઉદી અરબના સાંસ્કૃતિક અને માહિતી મંત્રાલયના પ્રવક્તા હાની અલ ઘુફાલીએ જણાવ્યું કે અમારા સાંસ્કૃતિક અને માહિતી મંત્રાલયે અલ રાબી સાથે સંપર્ક સાધ્યો છે અને તેમણે જણાવ્યું છે કે તમે પ્રેસ અને પબ્લિકેશન લોનો ભંગ કર્યો છે. અગાઉ સઉદીના પબ્લિક પ્રોસીક્યુટર શેખ સઉદ બિન અબ્દુલ્લાહ અલ મુઆજાબે પુષ્ટિ કરી હતી કે કોઇપણ વ્યક્તિ તો સમાજને નુકસાન પહોંચાડતી વસ્તુ પોસ્ટ કરશે, એવું કોઇપણ મટીરિયલ કે પ્રીટેક્સ્ટ પોસ્ટ કરશે અથવા પ્રકાશિત કરશે તો અથવા સોશિયલ મીડિયા પર દુરઉપયોગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે મંત્રાલયે આવા બે લોકોને નોટિસ મોકલાવી છે. તેમની સામે હવે ક્રિમિનલ કાર્યવાહી કરવામાં આવશે. જોકે તેના જવાબમાં અલ રાબીએ રોષ ઠાલવતાં કહ્યું કે મેં મારું નિવેદન જાહેર કર્યુ જો તે કુર્આન અને પયગમ્બરની સુન્નત અનુસાર ન હોય તો શા માટે અમારા વિદ્વાનો આવી માહિતી લોકોને આપે છે. અલ રાબી યમની મૂળના છે અને હાલ કિંગડમમાં રહે છે. તેમના ર૮૯૦૦૦ જેટલા ટિ્વટર ફોલોવર છે. તે સત્તાવાર ટિ્વટર એકાઉન્ટ ધરાવે છે.