(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૪
કોંગ્રેસના હાથ છોડીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયાને ગણતરીના કલાકોમાં જ મંત્રીપદ ફાળવી દેવાયું હતું પરંતુ ખાતાની ફાળવણી કરવાની બાકી હતી ત્યારે બુધવારે કુંવરજી બાવળિયાને પાણીપુરવઠા પશુપાલન અને ગ્રામગૃહ નિર્માણ ખાતા ફાળવવામાં આવ્યા હતા. જ્યારે મંત્રી આર.સી. ફળદુ અને પરબત પટેલના ખાતામાં ફેરફાર કરવામાં આવ્યા હતા એટલે રૂપાણી સરકારમાં આયાતી ઉમેદવારનો રાતોરાત વિકાસ થઈ ગયો છે ત્યારે જૂના નેતાનું શું ??? સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સલાહથી કુંવરજી બાવળિયાને ગુજરાત રાજ્યના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને પાણી પુરવઠો, પશુપાલન ગ્રામગૃહનિર્માણ ખાતું ફાળવવામાં આવ્યું છે. તો રૂપાણી સરકારે અન્ય બે મંત્રીઓના ખાતાની ફાળવણીમાં પણ ફેરફાર કર્યો છે. જેમાં આર.સી. ફળદુને કૃષિ, ગ્રામવિકાસ, મત્સ્યઉદ્યોગ અને વાહન વ્યવહાર જ્યારે રાજ્યકક્ષાના મંત્રી પરબત પટેલને જળસંપત્તિ (સ્વતંત્ર હવાલો) પાણી પુરવઠા ખાતા ફાળવવામાં આવ્યા છે.
પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજી બાવળિયાએ આજે સ્વર્ણિમ સંકુલ-ર, પહેલો માળ, ગાંધીનગર ખાતે તેમનો પદભાર સંભાળી લીધો હતો. આ વેળાએ વિવિધ વિભાગના સનદી અધિકારીઓ તથા તેમના શુભેચ્છકોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. પદભાર સંભાળ્યા બાદ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મને રાજ્ય સરકારમાં સેવા કરવાની જે તક આપી છે, તેમાં મારા ૩૦ વર્ષના જાહેર જીવનના અનુભવો થકી જનહિતના કામોને વધુ વેગવાન બનાવવાનો પ્રયાસ કરીશ. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામગૃહ નિર્માણ વિભાગની મને જવાબદારી સોંપવામાં આવી છે. તેમાં મારા ગ્રામ્ય જીવનના બહોળા અનુભવ થકી જનહિતના કામો કરવા હું સનિષ્ઠ પ્રયાસો કરીશ.