(સંવાદદાતા દ્વારા)
પાટણ, તા.૧૮
રાજ્યમાં રહેતા લઘુમતી સમાજના ઉત્થાન, રક્ષણ, વિકાસ તથા ગુજરાતમાં લઘુમતી આયોગની સ્થાપના સહિતના વિવિધ મુદ્દાઓને લઈ માઈનોરિટી કો.ઓર્ડિનેશન કમિટી ગુજરાતના નેજા હેઠળ આજે રાજ્યના ૩૩ જિલ્લા મથકોએ એકી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેને અનુલક્ષી પાટણ જિલ્લાના ઉમરદરાઝ એ. ચશ્માવાલા, શેખ જાકીરહુસેન, શેખ ઈબ્રાહિમમિયાં, કુરેશી રિયાઝ, અજીતખાન પઠાણ, અબ્દુલરઝાક ચશ્માવાલા સહિતના કાર્યકર્તાઓએ પાટણ ખાતે રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પ્રતિનિધિમંડળે આવેદનપત્ર આપી રાજ્યમાં લઘુમતી આયોગની રચના કરવામાં આવે અને તેને મજબૂતી મળે તેવો કાયદો વિધાનસભામાં પસાર કરવામાં આવે. રાજ્યના બજેટમાં લઘુમતીઓના વિકાસ માટે નક્કર જોગવાઈ કરવામાં આવે, લઘુમતી બહુમતી ધરાવતા ક્ષેત્રોમાં સરકારી હાયર સેકેન્ડરી શાળાઓની સ્થાપના કરવામાં આવે, લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરવામાં આવે, મદ્રેસા ડિગ્રીને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે, કોમી તોફાનોથી આંતરિક વિસ્થાપિત થયેલા લોકોના પુનઃ સ્થાપન માટે પોલિસીની રચના કરવામાં આવે, પ્રધાનમંત્રીના નવા ૧૫ સૂત્રિય કાર્યક્રમની સંપૂર્ણ અમલવારી કરવામાં આવે તેવી માગણીઓ રજૂ કરી હતી.