(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૧
કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિઓના લાભ લેવા માગતા લઘુમતી કોમના વિદ્યાર્થીઓએ અરજીની સાથે સ્વપ્રમાણિતને બદલે સક્ષમ અધિકારીએ પ્રમાણિત કરેલ આવકનો દાખલો જોડવાનો અંતિમ ઘડીએ નિર્ણય કરાતા લઘુમતી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે ગુજરાત રાજ્ય હજ સમિતિના ચેરમેન પ્રો.મોહમ્મદ અલી કાદરીએ રાજ્યના વિકસતી જાતિ કલ્યાણ નિયામક કે.જી.વણઝારાની મુલાકાત લઈ ચિંતા વ્યક્ત કરતાં નિયામકે જણાવ્યું હતું કે, માલેતુજારો ઓછી આવક બતાવીને શિષ્યવૃત્તિ મેળવવા હોવાથી ગરીબ વિદ્યાર્થીઓને અન્યાય થતો હતો. આથી ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી રહે તે માટે આ નિર્ણય કરાયો છે.
ગુજરાત હજ કમિટીના અધ્યક્ષ પ્રો.મોહંમદઅલી કાદરીએ લઘુમતી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં આવક માટે જાતે દાખલો આપવાના બદલે સક્ષમ અધિકારી પાસેથી આવકનો દાખલો લેવાના નિર્ણય અંગે કેટલાક અખબારોમાં ટીકાત્મક અહેવાલો અંગે નિયામક વિકસતી જાતિ કલ્યાણ નિયામક કે.જી.વણઝારાને રૂબરૂ મળીને વિગતો માંગી હતી. આ અંગે વણઝારાના જણાવ્યા અનુસાર સરકારની નીતિ મુજબ પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ માટે રૂા.૧ લાખની આવક મર્યાદા પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ માટે રૂા.ર લાખની આવક મર્યાદા અને મેરીટ કમમિન્સમાં રૂા.ર.પ લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. સરકારની નીતિ મુજબ જે વિદ્યાર્થીની આવક ઓછી હોય તેને શિષ્યવૃત્તિ આપવામાં અગ્રીમતા આપવામાં આવે તે સંજોગોમાં આવકનો દાખલો જાતે જ આપવાના કારણે લઘુમતી સમાજના માલેતુજાર વિદ્યાર્થીઓ ઓછી આવક બતાવીને શિષ્યવૃત્તિમાં અગ્રીમતા મેળવતા હતા. આના કારણે લઘુમતીઓમાં જે વધુ ગરીબ છે તેની પાસેથી શિષ્યવૃત્તિનો હક્ક છીનવાઈ જતો હતો. રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ હોય કે ભારત સરકારની શિષ્યવૃત્તિ હોય એસસી/એસ.ટી./ઓબીસી/ઈ.બી.સી./એન.ટી.ડી. એન.ટી.ના કસ્સામાં સક્ષમ અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર લેવાનું ફરજીયાત છે. જેથી આ જાતિઓમાં સાચા ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે. જ્યારે લઘુમતીઓના કિસ્સામાં જાતે આવકનો દાખલો આપવાનો હોવાથી ખોટી આવક બતાવીને ગરીબ લઘુમતીના વિદ્યાર્થીઓના હક્ક ઉપર તરાપ મારવામાં આવતી હતી . ભારત સરકારની શિષ્યવૃત્તિઓના ફોર્મ ભરવાની તારીખ ૩૧/૦૮/ર૦૧૭ના રોજ પૂરી થઈ ગયેલ છે અને અસંખ્ય વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી છે તેની રજૂઆતના અનુસંધાને નિયામકે જણાવ્યું હતું કે, આ તા.૩૧/૦૯/ર૦૧૭ સુધી લંબાવવામાં આવી છે.
આવકના પ્રમાણપત્ર અંગેની જાહેરાત શરૂઆતમાં કરી હોત તો લેખે લાગત
લઘુમતી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા સ્વપ્રમાણિત આવકનો દાખલો આપવાને બદલે સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ દાખલો આપવાના નિર્ણય અંગે વિકસતી જાતિ કલ્યાણ વિભાગના નિયામકે જે બચાવ કર્યો છે તે ભલે સાચો હોય પરંતુ હાલ જયારે મોટા ભાગના વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધા છે ત્યારે અંતિમ ઘડીએ આ નિર્ણયમાં ફેરફાર કરાતા વાલીઓમાં રોષ ફેલાયો છે. જો સરકારને લઘુમતી વિદ્યાર્થીઓ પ્રત્યે ખરેખર હમદર્દી હોય તો ઓછી આવકવાળા વિદ્યાર્થીઓને લાભ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ઉપરાંત અંતિમ સમયે આવક પ્રમાણપત્રની જાહેરાત કરવાને બદલે ફોર્મ ભર્યા અગાઉ જ જાહેરાત કરવામાં આવી હોત તો વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનું પ્રમાણપત્ર મેળવવા દોડધામ કરવી ન પડત.