(એજન્સી) મુંબઇ,તા.૧૩
અસુરક્ષિત સમૂહો ખાસ કરીને મુસ્લિમો પર બીફ લઇ જવાના શંકાના આધારે નિયમિત રીતે ટોળા હિંસા અને હુમલાઓના કારણે મહારાષ્ટ્રમાં કેટલાય મુસ્લિમ સંગઠનો અને સિવિલ સોસાયટી જૂથોએ લઘુમતીના રક્ષણ માટે શિડ્યુલ્ડ કાસ્ટ એન્ડ શિડ્યુલ્ડ ટ્રાઇબ પ્રિવેન્શન (એટ્રોસિટીઝ એક્ટ) જેવા કડક કાયદાની માગણી કરી રહ્યા છે.
આવા નવા કાયદા માટેની માગણીના સમર્થનમાં પૂણે, લાતુર અને સોલાપુરમાં ત્રણ શાંતિ રેલીઓ યોજાઇ ચૂકી છે અને હવે ચોથી રેલી ૧૫ જુલાઇએ પૂણેમાં યોજાનાર છે. આ રેલીને માત્ર જમાતે ઇસ્લામી જેવા મુસ્લિમ સંગઠનો તરફથી જ નહીં પરંતુ સિવિલ સોસાયટી ગ્રુપ્સ અને મરાઠી સંગઠનો તરફથી પણ પ્રતિસાદ મળ્યો છે.
બુધવારે મુસ્લિમો, દલિતો અને સંભાજી બ્રિગેડ જેવા મુસ્લિમ સંગઠનો સહિત ૨૦ સંગઠનોએ સોલાપુર ખાતે ભૂતાત્મા ચોકથી કલેક્ટર કચેરી સુધીની શાંતિ રેલીમાં ભાગ લીધો હતો. આ રેલીમાં જુદા જુદા ધર્મો અને વર્ગોના ૫૦૦ જેટલા લોકો સામેલ થયા હતા. તેમણે મુસ્લિમોને હુમલા સામે રક્ષણ આપવા માટે એક કાયદો ઘડવાની માગણી કરતું એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું. આવી જ એક રેલી મરાઠાવાડમાં લાતુર શહેરમાં ૫ જુલાઇએ અને પૂણેમાં ૭ જુલાઇએ યોજાઇ હતી. બુધવારે સોલાપુર ખાતે યોજાયેલ અમન રેલીના એક આયોજક સાદિક શેખ હતા કે જેઓ ૨૦૧૪માં એક હિંદુ જૂથ દ્વારા હત્યા કરાયેલા એન્જિનિયર મોહસીન સાદિક શેખના પિતા થાય છે. સાદિક શેખે જણાવ્યું હતું કે જૂન ૨૦૧૪માં મારા પુત્ર મોહસીનની જમણેરી સંગઠનોએ હત્યા કરી હતી કારણ કે તેણે દાઢી રાખી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે રીતના હુમલા વધી રહ્યા છે અને લઘુમતીઓ ટોળા હિંસાનો ભોગ બની રહી છે તે જોતા અમારે પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાયત કાયદા જેવા મજબૂત કાયદાની જરુર છે. આ રેલીમાં સ્વાભિમાન મુસ્લિમ વિકાસ સંગઠનના મોહસીન ખાન અને રાષ્ટ્રપ્રેમી કૃતિ સમિતિના પ્રમુખ અંજુમ ઇનામદાર, જમાતે ઇસ્લામીના મોહમદ શબી વગેરે અગ્રણીઓએ ભાગ લીધો હતો.