મોરબી,તા.ર૩
વાંકાનેરના રણજીત વિલાસ પેલેસમાં ચાર દિવસ પહેલા થયેલી ચોરીની ફરિયાદ યુવરાજ કેશરીદેવસિંહ દ્વારા નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ મોરબી જિલ્લા ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શનમાં વાંકાનેર સીટી પોલીસ મોરબી જિલ્લા એસ.ઓ.જી અને મોરબી જિલ્લા એલસીબી દ્વારા તપાસ આરંભી હતી અને આ ચેલેન્જરૂપ ચોરીનો પર્દાફાશ કરવા પોલીસ ટીમ રાત દિવસ મહેનત કરી રહી હતી પોલીસની આ મહેનતના ફળ સ્વરૂપ ચોરીનું પગેરૂં શોધવા ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શનથી સંપૂર્ણ ટીમ પેલેસના આસપાસનો પહાડી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરેલ જ્યાં પોલીસની ટીમને આંશિક સફળતા પ્રાપ્ત થઈ હતી. પેલેસમાંથી ચોરાયેલી એન્ટીક વસ્તુઓને પેલેસમાંથી ચોરી કરી અને આ પહાડી વિસ્તારમાં લઇ જવામાં આવી હોવાનું ખુલ્યુ હતુ આ ઉપરાંત ચોરો દ્વારા આ વસ્તુઓ ભારેખમ હોવાથી સાથે લઈ જવાઈ એ સ્થિતિમાં ન હોવાથી ત્યાં પહાડોમાં રજવાડી ખુરશીમાંથી ચાંદી કાઢી લઈ અને વધેલા લાકડા ત્યાં જ ફેંકી દેવામાં આવેલ તે ઉપરાંત અન્ય સામાનમાં પણ આ જ રીતે ચાંદી કાઢી નાખી વધારાના લાકડા ત્યાં જ પહાડોમાં ફેંકી દીધેલ જે લાકડા પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે આમ ચોરી થયેલ વસ્તુઓમાંથી કીંમતી ચાંદી ચોર પોતાની સાથે લઇ ગયેલ છે અને વધારાના લાકડા અને કપડા ત્યાં મૂકીને ચાલ્યા ગયેલ છે.