(એજન્સી) લખનૌ, તા.પ
લખનૌ મેટ્રોનું ઉદ્દઘાટન કર્યા બાદ સોશિયલ મીડિયા પર એક બાજુ મુખ્યમંત્રી યોગીને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે જ્યારે બીજી બાજુ અમુક લોકો મેટ્રોની ભૂલોને ઉજાગર કરી રહ્યા છે. અગાઉ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ આ લખનૌ મેટ્રોનું ઉદ્દઘાટન કરી ચૂકયા છે. આ લખનૌ મેટ્રોનું બીજી વખતનું ઉદ્દઘાટન હતું. પરંતુ આ વખતે યોગી વિશે જ પ્રચાર કરવામાં આવ્યો છે કે માત્ર ચાર મહિનામાં જ મેટ્રો લખનૌમાં ચલાવી ઈતિહાસ સર્જ્યો છે. જે મામલે સોશિયલ મીડિયા પર યોગી પર નિશાન સાધતા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે લખનૌ મેટ્રો શ્રી અખિલેશજીની દૃઢ ઈચ્છા શક્તિનું પરિણામ છે. બાકી આખો દેશ જોઈ રહ્યો છે કે જુમલાબાજ લોકો ત્રણ વર્ષથી બુલેટટ્રેન ચલાવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ વચ્ચે પણ ટ્વીટર પર મેટ્રોનો શ્રેય લેવા મામલે તકરાર થઈ હતી. સમાજવાદી પક્ષે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કરેલ યોજનાને યાદવે અગાઉથી જ ઝંડી આપી હતી જ્યારે આદિત્યનાથે એક વીડિયોમાં કહ્યું હતું કે, અંતે તમારી ઈચ્છા પૂર્ણ થઈ. રાજ્ય અને કેન્દ્ર સરકારે તમને મેટ્રોની ભેટ આપી છે.