Ahmedabad

માગણીઓ મુદ્દે ઉકેલ નહીં આવે તો ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરાશે

અમદાવાદ, તા.૧પ
પાટીદારોને અનામતની માગ સાથે ખેડૂતોના દેવા માફીના મુદ્દે પાસના હાર્દિક પટેલે તાજેતરમાં ૧૯ દિવસના ઉપવાસ કર્યા હતા. ત્યારબાદ હવે એસપીજીના લાલજી પટેલે પણ અનામત મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવી છે. તેમણે સરકારને આપેલું ૭ર કલાકનું અલ્ટીમેટમ પુરૂં થતા વિવિધ કાર્યક્રમો જાહેર કર્યા છે. પરંતુ સમાજના વડીલોની અપીલને ધ્યાનમાં રાખીને ઉગ્ર કાર્યક્રમોના બદલે શાંતિ ડહોળાય નહીં તે રીતે શાંતિપૂર્ણ કાર્યક્રમો કરવાની જાહેરાત કરી છે. કાર્યક્રમોની જાહેરાત કરતી વખતે લાલજી પટેલે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, વોટબેંક તૂટતી હોવાથી સરકાર પાટીદારોને અનામત આપવા માગતી નથી તેમજ અમારી માગણીઓ મુદ્દે કોઈ ઉકેલ નહીં આવે તો પાટીદાર સમાજ અને સવર્ણોને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની અપીલ કરીશું.
સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના અધ્યક્ષ લાલજી પટેલે વધુમાં જણાવ્યું કે, સાડા ત્રણ વર્ષથી ચાલતા આંદોલનની કોઇ માગણી સરકારે સ્વીકારી નથી. હાર્દિકના ઉપવાસ આંદોલન બાદ પણ સરકારના પેટનું પાણી હલ્યું નથી. અમારૂં ૭૨ કલાકનું અલ્ટીમેટમ પૂરું થયા બાદ ૬ પાટીદાર સંસ્થાઓ દ્વારા ટેલીફોનીક વાતચીતમાં ઉગ્ર આંદોલન ન કરવા વિનંતી કરવામાં આવી હતી. જેને અમે શિરોમાન્ય રાખીએ છીએ. તેમની વિનંતીને અનુલક્ષીને હવે શાંતિપૂર્ણ કાર્યક્રમો કરવામાં આવશે.
લાલજી પટેલે વધુમાં કહ્યું હતું કે અમે જે ભૂતકાળમાં ભૂલો કરી હતી તે હવે સુધારી લેવામાં આવશે. હાર્દિક સહિત સમાજના તમામ આગેવાનોને સાથે લઈને આગળ વધવામાં આવશે.
સરકાર અમારા વડીલો સાથેની બેઠકમાં કહે છે કે બંધારણીય રીતે અનામત મળી શકે એમ નથી. જોકે પાટીદાર સમાજના ઘણા તજજ્ઞો છે તેમની સાથેના મુદ્દા સમજી અનામત આપી શકાય તેમ છે. ૬ પાટીદાર સંસ્થાના આગેવાનોની જે ચર્ચા થાય તેમની સાથે સહમત રહીશું. વડીલોની સરકાર સાથેની ચર્ચા એસપીજી સ્વીકારશે.
લાલજી પટેલે જાહેર કરેલા કાર્યક્રમોમાં સરદાર પુરથી વિજાપુર સુધીની યાત્રા, બનાસકાંઠા ખાતેથી પાટીદાર યાત્રા નીકળશે. સાબરકાંઠા ખાતે પાટીદાર મહાસંમેલન યોજાશે. ૫૮ સમાજના લોકોને અનામત મળતી નથી તેમની ટીમ બનાવાશે. જો માગણીઓ નહી સ્વીકારાય તો પાટીદાર સમાજ અને સવર્ણ સમાજને સરકાર વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરવામાં આવશે.
લાલજી પટેલે વધુમાં કહ્યું હતું કે અલ્પેશ કથીરિયાને છોડાવવા બધાં પ્રયત્નો કરી છૂટશું. તેને માટે ઉગ્ર કાર્યક્રમો આપીશું. ૮ મુદ્દા પર ૮૫ સમાજમાંથી મોટાભાગના સમાજ માટે અમે લડીશું. નિકાલ નહીં આવે તો કરોડોની સંખ્યામાં ઝ્રસ્ને પોસ્ટકાર્ડ લખીશું. અમારા સમાજને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવી અપીલ કરીશું. જો કે, રાજ્ય સરકાર ઘણી વાર બે મોઢાની વાત કરે છે. સરકારની વોટ બેંક તુટતી હોવાથી તે ૪૯ ટકામાં પાટીદારને અનામત આપવા માંગતા નથી. અનામત માટે રાહુલ ગાંધીને પત્ર લખીને સરકાર પર દબાણ કરવા કહેવાયું છે. આ સાથે જ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને પણ પત્ર લખ્યો છે. અમારી લડાઇ વ્યક્તિગત નહીં પરંતુ સમાજ માટેની છે. અમે ક્ષત્રિય સમાજ અને બ્રહ્મ સમાજ સાથે પણ અનામત અંગે ચર્ચા કરીશું એમ લાલજી પટેલે જણાવ્યું છે.