જામનગર, તા. ૭
દેવા માફી અને અનામતની માંગણી સાથે અમદાવાદમાં આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલના સમર્થનમાં લાલપુર સજ્જડ બંધ રહ્યું હતું અને ‘પાસ’ સમિતિ દ્વારા પ્રતીક ઉપવાસ અને રામધૂનના કાર્યક્રમો પણ યોજાયા હતાં.
ખેડૂતોના દેવા માફ કરવા અને પાટીદારોને અનામતની માંગ સાથે હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે તેના સમર્થનમાં આજે લાલપુરમાં બંધ પાળવામાં આવ્યો હતો.
અનામતની તેમજ ખેડૂતોના દેવા માફીની માંગ સામે પાસના હાર્દિક પટેલ દ્વારા ૧૪ દિવસથી ઉપવાસ આંદોલન ચલાવાઈ રહ્યું છે. તેના સમર્થનમાં આજે લાલપુરમાં ‘પાસ’ સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આથી લાલપુરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.
લાલપુરની તમામ બજારો, નાના-મોટા વેપારીઓ, શાક માર્કેટ, માર્કેટ યાર્ડ વગેરે બંધ રહ્યા હતાં. ‘પાસ’ સમિતિ દ્વારા હાર્દિક પટેલના સારા સ્વાસ્થ્ય માટે ઊમિયા મંદિરમાં પ્રતીક ઉપવાસ કરી પાટીદારોએ રામધૂન કરી હતી.