લાલુની પાર્ટીનો દાવો, સરદાર પટેલ કાશ્મીર પાકિસ્તાનને સોંપી દેવા માગતા હતા

(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગત શુક્રવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીરની હાલની સમસ્યાઓ માટે ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને જવાબદાર ઠરાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જો સરદાર વલ્લભભાઇ પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત તો આજે કાશ્મીરની સમસ્યા ના હોત. શાહે લોકસભામાં ખીણ અંગે ચાલી રહેલી ચર્ચા દરમિયાન એમ પણ કહ્યું હતું કે, જો નહેરૂએ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલને વિશ્વાસમાં લીધા હોત તો આજે સમગ્ર કાશ્મીર આપણું હોત. જોકે, લાલુપ્રસાદની આગેવાનીવાળી પાર્ટી રાજદે અમિત શાહના નિવેદન સાથે સહમતી દર્શાવી નથી. રાષ્ટ્રીય જનતા દળે અમિત શાહના નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું છે કે, જો સરદાર પટેલ પ્રધાનમંત્રી હોત તો ખરેખર કાશ્મીરની સમસ્યા ના હોત કેમ કે ત્યાંનું એક તણખલું પણ આપણું ના હોત. આરજેડીએ પોતાના ટિ્‌વટર હેન્ડલ પર લખ્યું છે કે, અમિત શાહે બરોબર કહ્યું છે કે, જો સરદાર પટેલ પીએમ હોત તો કાશ્મીરની સમસ્યા ના હોત. પટેલ કાશ્મીરને ભારતમાં ક્યારેય રાખવા માગતા ન હતા. આખું કાશ્મીર તેઓ પાકિસ્તાનને સોંપી દેવાના હિમાયતી હતા. સંઘી ભાજપીઓ ઠોકી બેસાડેલો ઇતિહાસ વાંચે છે. ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીર અંગે પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. પોતાના જમ્મુ-કાશ્મીર પ્રવાસ દરમિયાન તેમણે અલગતાવાદીઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, તેમની સાથે કોઇ રહેમનજર રાખનારા નથી. અમિત શાહ એવા પ્રથમ ગૃહમંત્રી છે જેઓએ અલગતાવાદીઓ સાથે કોઇપણ બેઠકનો કોઇ સંકેત આપ્યો નથી. અમિત શાહે સ્પષ્ટ કહ્યુ છે કે, અલગતાવાદનું સમર્થન કરનારા કોઇપણપ્રકારના નરમ વલણની આશા રાખી શકતા નથી અને આતંકવાદ તથા આતંકવાદીઓ વિરૂદ્ધ લડાઇ ચાલુ રહેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks