National

લાલુની ઝેડપ્લસ સુરક્ષા પરત ખેંચાતાં તેજપ્રતાપની PM મોદીની ચામડી ઉતારવા ધમકી, લાલુએ હત્યાનું કાવતરું ગણાવ્યું

પટના, તા. ૨૭
બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને રાજદના ધારાસભ્ય તેજપ્રતાપ યાદવ ધમકીભર્યા સૂરમાં વાત કરવા માટે જાણીતા છે. તેમણે પોતાના પિતા લાલુપ્રસાદ યાદવની સુરક્ષા ઘટાડવા અંગે સીધી વડાપ્રધાન મોદીને ધમકી આપી કહ્યું છે કે, વડાપ્રધાન મોદીની ચામડી ઉતારી નાખીશ. તેજપ્રતાપે વિવાદ બાદ પણ પોતાના નિવેદન પર અડગ રહી કહ્યું કે, તેઓ જડબાતોડ જવાબ આપશે. તેમણે ઉમેર્યું કે, જો મારા પિતાને કાંઇ થયું તો સમાચાર ચેનલો વાળા જવાબદારી લેશે ખરાં ? જ્યારે તેમને પૂછાયું કે, વડાપ્રધાન માટે આવા શબ્દો બોલવા કેટલે સુધી યોગ્ય છે ત્યારે તેમણે કહ્યું કે, શું મારા પિતાને જીવ નથી ? તેમણે કહ્યું કે, જો મોદી એમ સમજતા હોય કે, હું ડરી જઇશ તો હું ડરવાનો નથી. બિહારના તમામ લોકો એટલે સુધી કે, અહીના બાળકો પણ મને બચાવશે. તેમણે કહ્યું કે, જે રીતે ષડયંત્ર કરી મારા પિતાની સુરક્ષા ઘટાડી છે તે જ રીતે અમારા પરના ભ્રષ્ટાચારના આરોપો પણ ષડયંત્ર છે. ગયા મહિને ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીના પુત્રના લગ્નમાં આમંત્રણ અપાયા બાદ તેમણે કહ્યંુ હતું કે, જો હું જઇશ તો સુશીલ મોદીને મારીશ અને ખુલ્લા પાડીશ. જોેકે, વિવાદ વધ્યા બાદ તેજપ્રતાપે કહ્યંુ કે, ભાજપના નેતા કોઇ ડર વિના પ્રસંગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે લાલુ યાદવની ઝેડ પ્લસ સિક્યુરિટીને હટાવી લેવામાં આવી હતી. દરમિયાન બિહાર વિધાનસભાનું સત્ર શરૂ થતા રાજદના સભ્યોએ લાલુ યાદવની સુરક્ષા હટાવવાનો મુદ્દો ઉઠાવી હોબાળો કર્યો હતો. વિપક્ષી નેતા તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે, નીતિશકુમારના કહેવાથી એનએસજી સુરક્ષા હટાવાઇ છે. તેમણે કહ્યું કે, લાલુ યાદવના જીવને હજુ પણ જોખમ છે આવા સમયે તેમની હત્યાનું ષડયંત્ર રયાયું છે. તેજસ્વી સાથે રાજદના તમામ નેતાઓ આ માગને વળઘી રહ્યા હતા. દરમિયાન રાજ્ય સરકારે આશ્વાસન આપ્યું હતું કે, લાલુ યાદવને ઝેડ કેટેગરીની સુરક્ષા મળતી રહેશે જોકે, અત્યારસુધી એ નક્કી નથી થયું કે, તેમને સુરક્ષામાં કોણ અને કેટલા જવાન આપવામાં આવશે.