(એજન્સી) પટના,તા.ર૬
બિહારમાં મહાગઠબંધનમાં વધી રહેલા તણાવ વચ્ચે બુધવારે આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવે નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવના રાજીનામાને ફગાવી દેતાં કહ્યું છે કે મુખ્યમંત્રી નીતિશકુમારે તેજસ્વી યાદવને પદત્યાગ કરવાનો આદેશ આપ્યો નથી. સીબીઆઈ દ્વારા આરજેડી પ્રમુખ, તેમની પત્ની રાબડીદેવી, પુત્ર તેજસ્વી અને આઈઆરસીટીસીના વહીવટી સંચાલન પી.કે. ગોયલ તેમજ લાલુના વિશ્વાસુ પ્રેમચંદ ગુપ્તાની પત્ની સુજાતા વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા લાલુએ તેમના અને પરિવાર વિરૂદ્ધના તમામ આક્ષેપો ફગાવ્યા હતા અને કહ્યું હતું કે સીબીઆઈના દરોડા સંપૂર્ણપણે રાજકીય પ્રેરિત છે અને એફઆઈઆર એ તેજસ્વીના રાજીનામાનું કારણ ન બની શકે. આજે લાલુપ્રસાદ યાદવે બિહાર ગઠબંધન પ્રોત્સાહિત કરતા કહ્યું કે, અમે મહાગઠબંધન બનાવ્યું છે અને નીતિશકુમારને સીએમ બનાવ્યા છે. અમે શા માટે ગઠબંધન તોડીશું ? બિહારના નાયબ મુખ્યમંત્રીના રાજીનામાની વાત ફગાવતા જણાવ્યું કે, નીતિશકુમારે તેજસ્વીનું રાજીનામું માંગ્યું નથી. આ દરમિયાન તેજસ્વી યાદવે આરએસએસ અને બીજેપીની મહાગઠબંધનને નબળું કરવાના પ્રયાસ બદલ ઝાટકણી કાઢતાં કહ્યું કે મને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું નથી. બીજેપી અને આરએસએસ મહાગઠબંધન તોડવા માંગે છે. લોકો તેમનું ષડયંત્ર જોઈ શકે છે. બીજેપી નેતા સુશીલ મોદીને બહારના વ્યક્તિ ગણાવતા તેજસ્વી યાદવે કહ્યું કે, તેઓ તો બિહારના પણ નથી. તેથી આ લોકો બિહાર કે બિહારના લોકોના વિશે ચિંતિત નથી. આરજેડી ધારાસભ્યો બુધવારે પક્ષપ્રમુખ લાલુપ્રસાદ યાદવની હાજરીમાં બેઠક યોજશે.