Ahmedabad

લાંબી કવાયત બાદ ઘડી કઢાયેલ વોટ બેન્કની ખાસ રણનીતિ સાથે ભાજપ રમશે રાજકીય દાવપેચ !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૬
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તે માટે તૈયારીઓ-રણનીતિઓ તેજ બનાવી દીધી છે. તેમાંય ભાજપના ચાણકય એવા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ૧પ૦ બેઠકો હાંસલ કરવાના નિર્ધારને સાર્થક કરવા વિશેષ રણનીતિ ઘડી તેને અમલમાં પણ મૂકી દીધી છે. દેશભરના રાજકારણી માટે ભાજપનું ગુજરાત મોડેલ સ્ટેટ હોઈ કોઈપણ પ્રકારનું જોખમ લેવા ના માગતું ભાજપ આયોજનબધ્ધ રીતે રણનીતિ અનુસાર જ આગળ વધી રહ્યું છે. ભાજપ હાઈકમાન્ડે વોટ બેન્કના રાજકરણ પ્રમાણે જ રણનીતિ ઘડી કાઢી છે જે મુખ્ય ઓબીસી- દલિત માટે, પાટીદારો માટે, આદિવાસી મત બેઠક, લઘુમતીઓ વગેરે માટે ખાસ અલગ-અલગ રણનીતિ ઘડી કાઢી તેની દિશામાં જ આગળ વધી રહેલ છે. ભાજપ હાઈકમાન્ડે વિવિધ વોટ બેન્ક પ્રમાણે ખાસ રણનીતિ બનાવી છે. સૌ પ્રથમ તો વોટ બેન્કને મતો પ્રમાણે અલગ પાડી તેના વિસ્તાર બેઠકો મુજબ રણનીતિ અમલમાં મુકવા રાષ્ટ્રીયથી લઈને રાજય કક્ષાના ભાજપના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
ઓબીસી-દલિત વોટ બેન્ક
દલિત આગેવાન જીજ્ઞેશ, મેવાણીના કોંગ્રેસ તરફી ઝુકાવને લઈને તેમજ ઓબીસીના અગ્રણી અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં જોડાઈ જવાના બનાવને લઈને ભાજપ દ્વારા આ વોટ બેન્કને જાળવી રાખવા અથવા તો તેમાં ગાબડું ના પડે તે માટે ભાજપ શાસિત રાજયોના સાંસદો અને ધારાસભ્યોને ગુજરાતમાં ધામા નાખવાના આદેશો પાઠવી દીધા છે. આ સાંસદો ધારાસભ્યો ઓબીસી-દલિત બહુમતી વિસ્તારોમાં ફરી ભાજપના પ્રચારમાં મદદ કરશે. આવનારા સાંસદો વગેરેના કોઓર્ડિનેશનની જવાબદારી સાંસદ કિરીટ સોલંકીને સોંપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
ભાજપની ખાસ પાટીદાર વોટ બેન્ક
અત્યાર સુધી ભાજપની મજબૂત ગણાતી આ પાટીદાર વોટ બેન્કમાં ખોટ, ગાબડું પડવાના એંધાણ પામી ગયેલ ભાજપએ વિશેષ રણનીતિ તૈયાર કરી તે માટે આખી ફોજ કામે લગાડી દીધી હોવાનું કહેવાનું અતિશયોકિત નહીં કહેવાય. આ રણનીતિના ભાગ રૂપે જ સમગ્ર પાટીદારોને ભાજપ તરફ ખેંચી લેવા અને હાર્દિક સહિતના આંદોલનકારીઓને એકલા પાડી દેવા વિવિધ રીત-રસમો અપનાવાઈ રહી છે. છેલ્લા આઠ-દસ દિવસોથી એક પછી એક સંસ્થાઓ દ્વારા નિવેદનો બહાર આવી રહ્યા છે જેમાં સમાજ આંદોલનની વિરુધ્ધ હોવાનું પ્રતિપાદિત કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. એટલું જ નહીં હજુ પણ ભાજપ હાઈકમાન્ડ આગળ જતા પાટીદારોને ખેંચવા ઘણા દાવપેચ તૈયાર કરીને બેઠી છે. જેમાં પાટીદારને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા સહિતની વિવિધ વ્યૂહ રચના સામેલ છે. ટૂંકમાં હાર્દિક આણી કંપનીને સફળ થવા ના દઈ પાટીદારોને છેવટ સુધી પણ પોતાના તરફ લાવવા ભાજપ બધુ જ કરી છુટશે.
આદિવાસી મત બેઠકનું રાજકારણ
વર્ષોથી કોંગ્રેસની મજબૂત ગણાતી આ આદિવાસી મતબેઠકમાં ગાબડું પાડવામાં છેલ્લી લોકસભા ચૂંટણીમાં કઈંક અંશે સફળ થનાર ભાજપ હાઈકમાન્ડ આ વખતે ૧પ૦ બેઠકોના લક્ષ્યાંક માટે તેની ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. અગાઉ આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા કાઢનાર ભાજપ એ રાહુલ ગાંધીના દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ આદિવાસી પટ્ટી પર વધુ એક પ્રચાર ઝુંબેશ હાથ ધરવા આયોજન કરી રહી છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પોતે આદિવાસી વિસ્તારની બેઠકોનો ખાસ પ્રવાસ કરવા ઉપરાંત આદિવાસી વિસ્તારની વધુને વધુ બેઠકો મેળવવા સંગઠનના નેતાઓ સાથે બેઠકોનો દોર હાથમાં લીધો હોવાનું જાણવા મળેલ છે.
લઘુમતી વોટ બેન્કને આકર્ષવાના પ્રયાસો
ચૂંટણીમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભાજપ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો દરમ્યાન મુસ્લિમોને પણ ખેંચવા ખાસ આયોજન કરાઈ રહ્યું છે. મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ભાજપને સમર્થન મેળવવા માટે રાજય બહારથી મુસ્લિમ સમાજના કેટલાક મૌલવી સહિતના અગ્રણીઓને બોલાવવામાં આવ્યા છે. ગુજરાત માયનોરિટી કમિટીના ચેરમેનના કોઓર્ડિનેશન હેઠળ આ ટીમ મુસ્લિમ વિસ્તારોમાં ભાજપને સમર્થન માટેના પ્રયાસો કરશે એમ જાણવા મળેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  AhmedabadGujarat

  માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

  ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.