અધિકારીઓ હેરાન ન કરે તે માટે પપ૦૦૦ની લાંચ લેતાં ભાજપ કોર્પોરેટરનો પુત્ર ઝડપાયો

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
ભાજપના કોર્પોરેટર નેન્સી સુમરાના ભાઇને બિલ્ડર દ્વારા બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામમાં કોઈ અધિકારી હેરાનગતિ નહીં કરે તે માટે રૂા.૭૫ હજારની ડીલ કરી રૂા.૫૫ હજારની લાંચ લેતા પુત્રને એસીબીએ રંગેહાથો ઝડપી લીધા બાદ આ ગુનામાં નાસતા ફરતા ભાજપની મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા પણ એસીબીમાં હાજર થઈ ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૧ નાણાંવટ-શાહપોર-કુબેરનગર-સૈયદપુરા વિસ્તારના ભાજપની મહિલા કોર્પોરેટર નેન્સી સુમરા છે. આ વિસ્તારના એક બિલ્ડર પાસે ગેરકાયદેસર બાંધકામમાં મહાનગરપાલિકાનો કોઈ અધિકારી હેરાનગતિ નહીં કરે તે માટે પિતા મોહન સુમરા તથા પુત્ર દ્વારા રૂા.૭૫ હજારની ડીલ કરવામાં આવી હતી. જે પૈકી રૂા.૨૦ હજાર એડવાન્સ પેટે બિલ્ડર પાસેથી લઈ લેવાયા હતા અને બાકીના ૫૫ હજાર રૂપિયા લેવા જતા હતા. આ દરમિયાન એસીબીના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પુત્રને રૂા.૫૫ હજાર લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો જ્યારે દૂર ઊભેલા મોહન સુમરા ફરાર થઈ ગયા હતા. પોલીસે પુત્ર સુમરાને કોર્ટમાં રજૂ કરી ૨૯મી સુધીના રિમાન્ડ લીધા હતા. જો કે, આરોપી મોહન સુમરા આજે સવારે એસીબી કચેરીના પોલીસ ઈન્સ્પેક્ટર દેસાઈ સમક્ષ હાજર થઈ ગયા હોવાનું જાણવા મળે છે. જેથી પોલીસે તેમના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks