(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
શનિવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેકટર ખાતે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની જવાનો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ભારતીય જવાન લાન્સ નાયક મોહમ્મદ નાસીર શહીદ થયા હતા. ૩પ વર્ષીય લાન્સ નાયક મોહમ્મદ નાસીર જમ્મુ-કાશ્મીરના પુંચ જિલ્લાની સીમા પર હતા. પાકિસ્તાની સેનાએ રાજૌરી સેકટરમાં ભારતીય સેનાની છાવણી પર ઓચિંતો ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાની સેનાએ મંજાકોટ, નૈકા, પંજગ્રીન અને બાલાકોટમાં આવેલ નિયંત્રણ રેખા પર પણ ગોળીબાર અને બોમ્બમારો કર્યો હતો. જવાન લાન્સ નાયક મોહમ્મદ નાસીરને આ અથડામણમાં ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ પામ્યા હતા. સુરક્ષા ક્ષેત્રના પ્રવકતાએ નાસીરને શ્રદ્ધાંજલિ અર્પી તેમની બહાદૂરીના વખાણ કર્યા હતા. નાસીરના સગા-સંબંધીઓએ કહ્યું હતું કે તે દુશ્મનો સામે લડતાં-લડતાં શહીદ થયા છે. અમને તેના બલિદાન પર ગર્વ છે. ૧ર જુલાઈના રોજ ઉત્તર કાશ્મીરના કેરાનમાં પાકિસ્તાની સેના દ્વારા થયેલા ગોળીબારમાં બે જવાન શહીદ થયા હતા.