(એજન્સી) લાસ વેગાસ, તા. ૨
અમેરિકાના લાસ વેગાસના કેસિનોમાં થયેલા ઘાતકી હુમલાની જવાબદારી સ્વીકારતાં આતંકવાદી સંગઠન આઈએસે એવું કહ્યું કે હુમલાખોર અમારી ખિલાફતનો સૈનિક હતો. આઈએસએ સત્તાવાર ન્યૂઝ એજન્સી અમાક દ્વારા આવો દાવો કર્યો હતો. આઈએસ દ્વારા જારી એક બયાન અનુસાર સ્ટીફન પેડોક લાસ વેગાસના કેસિનોનો હુમલાખોર હતો અને તે ઈસ્લામિક સ્ટેટની ખિલાફતનો સૈનિક હતો. બયાન અનુસાર, સ્ટીફને હજુ થોડા મહિના પહેલા જ ઈસ્લામ અંગીકાર કર્યો હતો. હુમલાની જવાબદારી સ્વીકારતા પહેલા આઈએસે હુમલાની ઉજવણી કરતાં પોસ્ટરો પણ રિલિઝ કર્યાં હતા. પોસ્ટરમાં એવું કહેવાયું કે અમેરિકા લાસ વેગાસમાં તેના પાપની સજા ભોગવી રહ્યું છે. ઈસ્લામિક સ્ટેટ કેટલાક બીજા પણ પોસ્ટરો બહાર પાડ્યાં જેમાં લાસ વેગાસ હુમલા પર જશ્ન મનાવવામાં આવ્યો હોવાનું દેખાતું હતું.