બસઈ ગામમાં ખાલી સ્થાન પર નમાઝ પઢતાં ફરી વિવાદ ઈમામને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ લેખિતમાં નિવેદન લીધું

(એજન્સી)નવી દિલ્હી,તા.૧૮
હરિયાણાના ગુરૂગ્રામના બસઈ ગામમાં ખાલી જગ્યા પર શુક્રવારે નમાઝ પઢવાને લઈને એકવાર ફરી વિવાદ પ્રકાશમાં આવ્યો છે. બસઈ ગામની ખાલી જગ્યા પર નમાઝ પઢાતી હોવાની જાણકારી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અહેવાલ મુજબ પોલીસ ઈમામને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ઈમામ પાસે પ્રશાસન દ્વારા નિર્ધારિત સ્થાન સિવાય અન્ય જગ્યાએ નમાઝ નહીં પઢવા લેખિત નિવેદન લીધું હતું. ઈમામ અબ્દુલ વાજીદે જણાવ્યું કે, આ ક્ષેત્રમાં ખાલી જગ્યા પર તેઓએ ઘણા વર્ષોથી નમાઝ પઢી છે અને (જુમ્મા) શુક્રવારની નમાઝ પઢવા પોલીસ પાસેથી પરવાનગી પણ મેળવી છે. એમણે જણાવ્યું કે ખાલી સ્થાન પર જુમ્માની નમાઝ પઢાવાતાં સ્થાનિક લોકોએ આ મુદ્દે વિરોધ ઊઠાવ્યો. એમણે પોલીસ પર આરોપ મૂકયો કે આ ક્ષેત્રમાં નમાઝ પઢીને રમખાણો શરૂ કરશો એવું પોલીસે કહ્યું અને પછી મને પોલીસવાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. મુસ્લિમ એકતા મંચ ગુડગાંવના ચેરમેન હાજી સજજાદ ખાને જણાવ્યું કે શુક્રવારની નમાઝ અદા કરવામાં આવી એ ખાલી સ્થળની સામેના પ્લોટ પર નમાઝ પઢવા માટે સરકારે નક્કી કર્યું હતું. પરંતુ પ્લોટના માલિકે નમાઝ પઢવા દેવાનો ઈન્કાર કર્યો હતો. આથી સામેના ખાલી સ્થાન પર નમાઝ પઢવામાં આવી. હવે પોલીસે આ સ્થળ પર નમાઝ પઢવાનો ઈન્કાર કરી દીધો છે. હાજી સજજાદે આરોપ મૂકયો કે પોલીસે ઘટના સ્થળ પર ઉપસ્થિત લોકોને ધમકાવ્યા અને ઈમામને જબરદસ્તી પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા. મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશને પહોંચતા ઈમામને મુકત કરવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks