(એજન્સી) ત્રિપોલી, તા.૩૧
રાજધાની ત્રિપોલીના પશ્ચિમમાં ગત અઠવાડિયે હાથ ધરવામાં આવેલા ચાર અલગ અભિયાનમાં લીબિયાના કોસ્ટગાર્ડે ૫૫૦ વસાહતીઓને બચાવ્યા હતાં તેમ નેવીના પ્રવક્તા ઐયુબ કાસેમે જણાવ્યું હતું. લીબિયાએ યુરોપમાં અને તેમાં પણ વિશેેષરૂપે ગેરકાયદેસર રીતે ઇટાલીમાં સ્થળાંતર કરવા માટેની ચોકી છે. મોટાભાગે આફ્રિકામાંથી હજારો વસાહતીઓ દર વર્ષે ભૂમધ્ય સમુદ્ર દ્વારા ખીચોખીચ ભરેલી બોટો પર સવાર થઇને માનવ તસ્કરોની મદદથી ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરે છે. કાસમે કહ્યું કે સોમવારે તાજેતરનું અભિયાન હાથ ધરવામાં આવ્યુંં હતું અને મંગળવારે સબરાથા અને સિદી બિલાલના દરિયા કિનારાથી દૂર તથા ત્રિપોલીના બંદરો ખાતે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સબરાથાથી દૂર હાથ ધરવામાં આવેલા બે અભિયાનોમાં આફ્રિકન અને આરબ દેશોના ૨૫૨ વસાહતીઓને બચાવી લેવામાં આવ્યા હતા જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે સીદી બિલાલથી દૂર હાથ ધરવામાં આવેલા અભિયાનમાં કુલ ૨૯૦ વસાહતીઓને બચાવવામાં આવ્યા હતા, જે તમામ આફ્રિકનો હતા. યુએનના આંકડાઓ અનુસાર આ વર્ષે બોટ દ્વારા ભૂમધ્ય સમુદ્ર પાર કરીને કુલ એક લાખ ૨૫ હજાર લોકોે સ્થળાંતર કર્યું હતું, જેમાં મધ્ય માર્ગમાં જ ૨૪૦૦ લોકોનાં મોત નિપજ્યાં હતાં.