રૂસ્તમપુરાની ઘટના બાદ સરકાર કોઈ પગલાં લેશે ?
અમદાવાદ, તા.ર૯
વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામે ગત મોડી સાંજે ફટાકડાની દુકાનમાં લાગેલી આગમાં ૮ નિર્દોષ લોકો હોમાઈ ગયા હતા. ફુલઝરીના તણખાને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે ત્યારે અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં ફટાડકાના કાયદેસર, ગેરકાયદે સ્ટોલ ધમધમી રહ્યા છે. આ સ્ટોલ જીવતા બોંબ સમાન છે. જો આ દુકાનોમાં રૂસ્તમપુરા જેવી દુર્ઘટના સર્જાય તો તેને કાબૂમાં લેવી મુશ્કેલ બની જાય તેમ છે.
દિવાળીના તહેવારો આવતા જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર જેવા મોટા શહેરોમાં જ નહીં પરંતુ નાના શહેરો અને ગામડાઓમાં પણ ફટાકડાની દુકાનોના રાફડા ફાટી નીકળે છે. મોટાભાગે ફટાડકડાની દુકાનો ગેરકાયદે જ હોય છે. કારણ કે આ સીઝનલ ધંધો હોવાથી લોકો લાયસન્સ, ફાયરસેફટી કે પોલીસ પરમિશનની ઝંઝટમાં પડવા માંગતા હોતા નથી. આથી દસ બાર દિવસના ધંધા માટે તેઓ લોકોના જીવ જોખમમાં મુક્તા અચકાતા નથી. ફટાકડાનું વેચાણ કરવા દુકાનધારકોએ સ્ટોલની બાજુમાં રેતીનો ઢગલો કરી રાખવાનો હોય છે. ઉપરાંત પાણીનો પુરતો જથ્થો રાખવો જરૂરી છે. ફાયર સેફ્ટીની પુરતી સુવિધા હોય તો જ તેઓને દુકાન શરૂ કરવા મંજૂરી આપવામાં આવે છે પરંતુ રાજ્યભરમાં મોટાભાગના વેપારીઓ કે સ્ટોલધારકોએ જ્યાં જગ્યા મળી ત્યાં ફટાડકાના સ્ટોલ ઊભા કરી દેતા રાજ્યમાં ફટાકડાના અનેક ગેરકાયદે એકમો ધમધમી રહ્યા છે. જે જીવતા જાગતા બોંબ સમાન છે. જો કોઈ ફટાકડાનો કે બીડીનો તણખો આ ફટાકડા પર પડે તો ઘણીફૂટ ગોળીબારની જેમ ફટાકડાઓ ફૂટી ભયાનક આગ લાગી શકે છે. પરિણામે રૂસ્તમપુરા જેવી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે. આથી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓએ પાંચ પચ્ચીસ રૂપિયાની લાલચમાં લોકોના જીવન સાથે ચેડાં કરવા ન જોઈએ.