પાલનપુરમાં રખડતી ગાયને રોટલી નાંખવા જતા ગાયે હુમલો કરતાં યુવકનું લીવર ફાટી ગયું

૫ાલનપુર, તા. ર૯
પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં ગાયના હૂમલાનો ભોગ બનેલા યુવકને આંતરિક ગંભીર ઇજાઓ થવા પામી છે. જેનું લીવર ફાટી ગયું છે. તેમજ જમણી કિડની અને લીવર વચ્ચેની કેપ્સુલ પણ ફાટી જતાં યુવકની હાલત નાજુક થવા પામી છે. જે અત્યારે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ઉપર છે. ત્યારે તેની આ સ્થિતિ માટે જવાબદાર રખડતા પશુઓ તેમજ તેમના માલિક સામે તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ ન હાલતાં શહેરીજનો તેમના ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે.
પાલનપુર ઢુંઢીયાવાડી વિસ્તારમાં મુળ લાખણી ગામના અને વર્તમાન સમયે પાલનપુરમાં રહી હિરા ઘસવાનું કામ કરતાં અમૃત વશરામભાઇ ગોહિલ ગાયને રોટલી ખવડાવવા ગયા હતા. તે દરમિયાન આ રખડતી ગાયે તેમના ઉપર હિચકારો હૂમલો કરી દીધો હતો. અને પાંચ મિનીટ સુધી શિંગડે ચઢાવી રગદોળ્યા હતા. જ્યાં આજુબાજુના લોકો દોડી આવીને તેમને ગાયની ચૂંગાલમાંથી છોડાવી સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અંગે ખાનગી હોસ્પિટલના તબીબ મિહીર પંડ્યાએ જણાવ્યું હતુ કે, ગાયના હુમલામાં અમૃતભાઇના શરીરમાં આંતરિક ગંભીર ઇજાઓ થવા પામી છે. જેનું લીવર ફાટી ગયું છે. તેમજ જમણી કિડની અને લીવર વચ્ચેની કેપ્સુલ પણ ફાટી જતાં યુવકની હાલત નાજુક થવા પામી છે. જેઓ જીવન- મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે.
ગરીબ યુવકની આ સ્થિતિ માટે જવાબદાર કોણ ?
અમૃતભાઇ ગરીબ પરિવારમાંથી આવે છે. ગાયને રોટલી ખવડાવી પુણ્ય કમાવવાની ભાવનાથી ગયા હતા. જોકે, ભુરાટી થયેલી ગાયે તેમને શિંગડે ચડાવતાં તેઓ નાજુક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. ત્યારે તેમની આ સ્થિતિ માટે રખડતી ગાયો અને તેમના માલીકો જવાબદાર છે કે પછી આ ગંભીર ઘટના બન્યા પછી પણ જેમના પેટનું પાણી પણ હલ્યુ નથી તેવા નગરપાલિકા અને વહિવટીતંત્રના અધિકારીઓ ? ગમે તે હોય રખડતાં પશુઓને પાંજરે પુરવાની કાર્યવાહી સત્વરે હાથ ધરવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks