નવી દિલ્હી, તા.૨૮
ભારતીય ઓપનર લોકેશ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ સિરીઝમાં જોરદાર બેટિંગ કરી હતી. તેણે પ્રથમ મેચમાં ૫૦ અને બીજી મેચમાં ૪૭ રન કર્યા હતા. બીજી મેચ પછી રાહુલે કહ્યું હતું કે, ચેટ શોના વિવાદ પછી તે વિનમ્ર વ્યક્તિ બની ગયો છે. તેને આ દરમિયાન રાહુલ દ્રવિડે મદદ કરી હતી.
રાહુલ સાથે હાર્દિક પંડ્યાએ કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરનમાં મહિલાઓ ઉપર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તે પછી બીસીસીઆઈએ બંનેને સસ્પેન્ડ કર્યા હતા. જો કે, પછીથી બંનેનું સસ્પેન્સન હટાવવામાં આવ્યું હતું.રાહુલે કહ્યું, “વિવાદ પછી હું ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર રહ્યો હતો. એ સમયે હું ટીમ ઇન્ડિયામાં વાપસી અને મારી સાથે શું બરાબર નથી થઇ રહ્યું તે વિશે વિચારી રહ્યો હતો. ત્યારે મને ઇન્ડિયા-એ માટે રમવાની તક મળી હતી. ત્યાં દબાણ ઓછું હતું અને હું મારી સ્કિલ અને ટેક્નિક ઉપર ધ્યાન આપી શક્યો હતો.”તેણે કહ્યું કે, “આ દરમિયાન મેં રાહુલ દ્રવિડ સાથે ઘણો સમય વિતાવ્યો હતો. તેમજ મારી રમત ઉપર ધ્યાન આપ્યું હતું અને ક્રિકેટ વિશે વાતો કરી હતી. તેમણે તે દરમિયાન મારી ઘણી મદદ કરી હતી. મેં મેદાન ઉપર વધુ ટાઈમ સ્પેન્ડ કર્યો હતો જેનું રિઝલ્ટ મને હવે મળી રહ્યો છે.”