(એજન્સી) તા.ર૪
બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય (બીએચયુ)માં વિદ્યાર્થિની સાથે છેડછાડ મામલે સોશિયલ મીડિયા પર ઉપયોગકર્તાઓ આકરી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો દ્વારા કેન્દ્રની મોદી સરકાર અને રાજયની ભાજપ સરકાર પર છાત્રાઓ વિરુદ્ધ થયેલી હિંસા વિશે કાર્યવાહી ન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. લોકો સરકારનો વિરોધ કરવા માટે ‘અબ કી બાર મોદી સરકાર’ના બદલે ‘અબકી બાર બેટી પર વાર’ હેશટેગ સાથે ટ્વીટ કરી રહ્યા છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં બીએચયુની બહાર સુરક્ષા કર્મીઓ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાથે હાથાપાઈ કરતા દેખાય છે. જ્યારે એક વિદ્યાર્થિની કહી રહી છે કે ‘અમે છેલ્લા બે દિવસથી સરકાર પાસે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી અને પોતાની સુરક્ષા અંગે માંગ કરી રહ્યા છે પરંતુ પોલીસ અમારી સાથે જ મારપીટ કરી રહી છે. કેટલીક વિદ્યાર્થિનીઓને લાતો પણ મારવામાં આવી હતી જેના લીધે તેમને માથામાં ઈજા થઈ છે.
વિપિન વાનખેડે નામના વ્યક્તિએ ટ્વીટ કર્યું છે કે, પ્રથમ વર્ષની વિદ્યાર્થિની સાથે છેડતી બાદ ન્યાય માટે વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થિનીઓ છેલ્લા ત્રીસ કલાકથી પ્રદર્શન કરી રહી છે. આ પ્રદર્શન બીએચયુ પ્રશાસન વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે. અન્ય એક ઉપયોગકર્તાએ લખ્યું છે કે, આ લોકો ગાય, દેવી, મહિલા મંત્રીની પૂજા કરશે પરંતુ અડધી રાત્રે વિદ્યાર્થિનીઓ પર હુમલા થઈ રહ્યા છે. અબ કી બાર બેટી પર વાર બીએચયુની વિદ્યાર્થિનીઓના સમર્થન માટે નેક લોકો આગળ આવ્યા છે. જો છોકરીઓને પોતાની વાત રજૂ કરવા બદલ મારવામાં આવતી હોય તો આપણે નવરાત્રિનો તહેવાર ઉજવવાનું બંધ કરવું જોઈએ. લાઠીચાર્જમાં એક વિદ્યાર્થિની ગંભીર રૂપે ઘાયલ થઈ છે અને તેને ટ્રોમાં સેન્ટરમાં દાખલ કરવામાં આવી છે. ટ્વીટર પર એક વ્યક્તિએ લખ્યું છે કે પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી હંમેશાથી મહિલાઓના વિરોધમાં હતા. આતિફ નામના એક વ્યક્તિને લખ્યું કે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ માત્ર એક નાટક છે. અહીં તો બીએચયુમાં બેટી પર અત્યાચાર થઈ રહ્યા છે.’