(સંવાદદાતા દ્વારા)
પાવીજેતપુર,તા.૪
છોટાઉદેપુર જિલ્લાની લીઝોમાં ખાન ખનીજ વિભાગની વિજિલન્સ દ્વારા આચંક ૬થી ૮ ટીમો બનાવીને માપણી શરૂ કરાઈ હતી. સતત ત્રણ દિવસ સુધી આ લીઝોની માપણીમાં ૩૦થી વધુ લીઝોની માપણી કરવામાં આવી હતી. જેના વિરોધમાં સેન્ડ અસોસિએશન દ્વારા આ કાર્યવાહીનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જયાં સુધી આ કાર્યવાહી બંધ ના થાય ત્યાં સુધી જિલ્લાની તમામ લીઝો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ રેતીની લીઝો બંધ રખાતા લીઝોમાં કામ કરતા મજુરો બેરોજગાર થઈ ગયા છે અને હજુ આ આંદોલન લાંબુ ચાલે તેવા વર્તારા વર્તાઈ રહ્યા છે. જેને લઈને મજુરી કામ કરતા લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી રેતીની લીઝો માપણી કરવા માટે જિલ્લાના જ એક ધારાસભ્ય દ્વારા ખાન ખનીજ વિભાગને જાણ કરાઈ હતી અને તેમાંય ખાસ કરીને મોટા ભાગે પાવી જેતપુર પંથકમાં ચાલતી રેતીની લીઝોને જ ટાર્ગેટ કરવામાં આવી હતી જેને લઈને રેતીની લીઝના સંચાલકોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે.
આજે પાંચમાં દિવસે રેતીની લીઝો બંધ રખાતા બંધ કામ ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને માઠી અસર પાડવા લાગી છે સાથે સાથે સ્થાનિક બેરોજગારોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે. આનાગે બોડેલી ખાતે આજે સેન્ડ એસોસિએશનની મીટિંગ મળી હતી. તેમાં મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાની જાન્યુઆરી મહિનાની રોયલ્ટીની આવક રૂા.૪૦ કરોડ હતી અને ેતેમાંય પાવીજેતપુર પંથકની રેતીની લીઝોની જ રર કરોડ જેટલી આવક હતી. તે જ લીઝોમાં ખાન ખનીજ વિભાગ દ્વારા માપણી કરતા લીઝના સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.