(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
સુરત શહેરમાં છેલ્લા માત્ર છ દિવસમાં પાંચ બળાત્કારની ઘટનાઓ બનવા પામી છે. ત્યારે ગતરોજ સુરત જિલ્લાના કડોદરા ખાતે હવસખોર ઇસમે એક માસુમ બાળકીને પીંખી નાંખી હતી. નરાધમે સાત વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી તેણીને અવાવરું જગ્યામાં લઇ ગયો હતો. જોકે બાદમાં હવસખોર ઇસમે બાળકીને માર મારી તેણીની પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં માસુમ બાળકીને જમીન પર પણ ઘસડી હોવાના ઇજાના નિશાન તેના શરીર પર મળી આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા વિસ્તારમાં વરેલી ગાર્ડન પાસે આવેલ સોસાયટીમાં રહેતું દંપતી ડાઇંગ મિલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક સાત વર્ષની દીકરી પણ છે. જે દીકરીને તેના ઘરે જ પહેલા ફોઇ સાચવતા હતા. ગતરોજ દંપતી સાંજે નોકરી પર હતું ત્યારે કોઇ અજાણ્યા ઇસમે તેના ઘર પાસે આવી ઘર આગળ રમતી સાત વર્ષની માસૂમ બાળકીને ચોકલેટ અપાવવાની લાલચ આપી હતી. જેથી માસૂમ બાળકી તેની સાથે ચાલતી થઇ હતી. જો કે, હવસખોર ઇસમે બાળકીને તેના ઘરથી અડધો કિલોમીટર દૂર લઇ ગયો હતો. જ્યાં એક અવાવરૂં જગ્યામાં ઝાડી-ઝાંખરામાં બાળકીને માર મારી તેણીની પર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે, બાદમાં નરાધમ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જો કે, માસૂમ બાળકી ઘરે રડતા રડતા આવી હતી. જ્યાં તેણીએ સઘળી હકીકત તેણીની માતાને જણાવતા આખરે દંપતી તેની સાત વર્ષની પુત્રીને લઇને કડોદરા પોલીસ મથકે પહોંચી ગયું હતું. માસૂમ બાળકીને ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલણાં ખસેડવામાં આવી હતી. જ્યાં હાલમાં માસુમ બાળકી સારવાર હેઠળ છે.
બાળકી એટલી ગભરાઈ ગઈ હતી કે વાતચીત કરી શકી ન હતી
માસૂમ બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, દરરોજ ઘરે આવીને પહેલા હું દીકરી સાથે સમય વિતાવું છું. બંને દરરોજ ધમાલ મસ્તી કરતા હતા. ગતરોજ પોતાના નિત્યકર્મ પ્રમાણે તેઓનોકરી પરથી પત્ની સાથે ઘરે આવ્યા હતા. ત્યારે દીકરી ઘરે ન હતી. જેથી તેઓ હાંફળાં થઇ ગયા હતા અને દીકરીની શોધખોળ શરૂ કરી હતી. જો કે, બે કલાક બાદ તેની સાત વર્ષની માસૂમ પુત્રી ઘરે આવી એક ખૂણામાં બેસી ગઇ હતી. જેથી તેના પિતાએે તું ક્યાં હતી તેમ પુછતા તેણે કોઇ જવાબ આપ્યા ન હતા. જો કે, માથાના વાળમાં ભરાયેલી રેતી અને ઝાડી ઝાંખરાના પાંદડા મળી આવ્યા હતા. તેના શરીરે લોહીના ડાઘા પણ હતા. જેથી કઇ અજુગતું બન્યું હોવાનું લાગતા પત્નીને બાળકી સાથે વાતચીત કરવા જણાવ્યું હતું. જ્યાં માસૂમ બાળકીએ પોતાની સાથે બનેલી સઘળી હકીકત તેણીની માતાને જણાવી હતી. હવસખોરનો શિકાર બનતા બાળકી એટલી ગભરાઇ ગઇ હતી કે પહેલી વાર તેની પુત્રીએ તેની સાથે વાત કરી ન હતી.
બાળાના શરીરે ઈજાના નિશાન મળી આવ્યા હતા
માસૂમ બાળકીને લોહી નીકળતી હાલતમાં સારવાર માટે તેના માતા -પિતા અને પોલીસ સ્મીમેર લઇને આવી હતી. જ્યાં ઇમરજન્સી વિભાગમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેણીને વધુ સારવાર માટે ગાયનેક વિભાગમાં ખસેડવામાં આવી હતી.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બાળકીને સ્મીમેરમાં ખસેડવામાં આવી ત્યારે તેના ગાલ પર માર માર્યાના નિશાન હતા. આ ઉપરાંત માસુમ બાળકીના બન્ને હાથે અને બન્ને પગે પણ ઇજાના નિશાન મળી આવ્યા હતો જેથી તેણીને માર મારવામાં આવી હતી તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું હતું. આ ઉપરાંત ઝાડી-ઝાંખરાણાં તેણીને ઘસડી હોય તેના પીઠ પર ઇજાના નિશાન મળી આવ્યા હતા. બાળકીના ગુપ્તાંગના ભાગે પણ ઇજાના નિશાનો હતા અને લોહી નીકળતું હતું વધુમાં માસૂમ બાળકીને ગાયનેક વિભાગમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સર્જરી વિભાગમાં પણ ખસેડવામાં આવી હતી. જ્યાં હાલમાં માસૂમ બાળકી સારવાર હેઠળ છે. બાળકી પર બળાત્કાર થયાને ૧૫ કલાક વીતી ગયા બાદ પણ કડોદરા પોલીસે હવસખોર સામે બળાત્કારનો ગુનો નોંધવાની તસ્દી સુદ્ધા લીધી ન હતી. આ ઉપરાંત કડોદરા પોલીસ મથકના પીઆઇ વળવીએ ફોન ઉપાડવાની તસ્દી પણ લીધી ન હતી. હોઇ પ્રોફાઇલ કેસમાં પોલીસ માત્ર ગણતરીની મિનિટોમાં ફરિયાદો દાખલ કરતી હોય છે ત્યારે આ પરિવાર મધ્યમ વર્ગનું હોવાના કારણે ફરિયાદ દાખલ નથી કરી જેથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.