લોકસભા ચૂંટણી ભાજપ માટે પડકારજનક ૧૮૦ કરતાં વધુ બેઠક મેળવી શકશે નહીં

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩
ર૦૧૯ની લોકસભા ચૂંટણી માટે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવા સાથે રણનીતિઓ ઘડી કાઢવાની કવાયત હાથ ધરી દેવામાં આવી છે ત્યારે ચૂંટણી માટે રાજકીય વિશ્લેષકો પણ પોતાની કામગીરીમાં લાગી ગયા છે. ગુજરાતમાં પણ ભાજપ સરકારે તે દિશામાં આગળ વધતા કામગીરી શરૂ કરી દીધી છે. આ દરમ્યાન પાટીદાર આંદોલનના અગ્રણી નેતા હાર્દિક પટેલે ભાજપ માટે આગામી લોકસભા ચૂંટણી ચિંતા સાથે પડકાર ઊભો કરનારી બની રહેશે એવો ઈશારો કરતા વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, લોકસભામાં ભાજપને ૧૮૦ કરતા વધારે બેઠક મળી શકશે નહીં.
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના અગ્રણી નેતા હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળનારી બેઠકો અંગે ધડાકો કર્યો છે. હાર્દિકના મતે ર૦૧૯માં આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૧૮૦ કરતા વધારે બેઠકો મળશે નહીં.
યુવા નેતા હાર્દિક પટેલે કેન્દ્ર સરકારની નીતિઓની આકરી ટીકા પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વખતે ર૦૧૪નું પુનરાવર્તન થવાનું નથી અને ૧૦૦ ટકા થવાનું નથી. જો ભાજપ બહુમતી જેટલી બેઠકો નહીં મેળવી શકે તો વડાપ્રધાન પદે અન્ય ઉમેદવારનું નામ પણ ભાજપ આપી શકે છે. ર૦૧૯માં મિશ્ર સરકારના સંકેત મળી રહ્યા છે. સંઘ પરિવાર નીતિન ગડકરીને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરી શકે છે. હાર્દિકના મતે લોક જનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાન એનડીએ છોડી શકે છે. જો કે પાસવાને હાર્દિકની આ વાતને હાલ પુરતી તો ફગાવી દીધી હતી.
આ ઉપરાંત હાર્દિક પટેલે કહ્યું કે ત્રીજો મોરચો પોતાની સરકાર બનાવી શકે એમ નથી. ત્રીજા મોરચાને સરકાર બનાવવા માટે ૩૦૦ સીટની જરૂરિયાત રહેલી છે. કોલકાતા ખાતે મમતા બેનરજી સાથેની મુલાકાત દરમ્યાન આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મમતા દીદીએ લોકસભાની ચૂંટણીમાં નંબર અંગે કોઈ ફોડ પાડ્યો નહોતો. હજુ સુધી મમતા બેનરજીએ આ અંગે કોઈ નિર્ણય કર્યો નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts