Ahmedabad

ગુજરાત સરકારનું જળ સંચય એટલે ભ્રષ્ટાચારના જંગી ખાડા ખોદવાનો કાર્યક્રમ

અમદાવાદ, તા. ર૮
લોકશાહી બચાઓ અભિયાન દ્વારા સીએમ વિજય રૂપાણી જૂઠું બોલી રહ્યાં હોવાનો ગંભીર આરોપ મૂકીને સનસનાટીભરી વિગતો પ્રજા સમક્ષ જાહેર કરી છે. તેમના નેતાઓ પૂર્વ સીએમ સુરેશચંદ્ર મહેતા, પર્યાવરણ વીદ્દ મહેશ પંડ્યા અને અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે સંયુક્ત નિવેદનમાં ૨૮ જુલાઈ ૨૦૧૮ના રોજ જાહેર કર્યું હતું કે, ગુજરાત સરકારનું જળ સંચય અભિયાન એટલે ભ્રષ્ટાચારના જંગી ખાડા ખોદવાનો કાર્યક્રમ હતો. જૂનું કૌભાંડ ઢાંકવા નવું કૌભાંડ હતું. પણ ગંભીર બાબત એ છે કે, નદીઓને પુનર્જીવિત કરવાના મુદ્દે ગુજરાતના સીએમ નીતિ આયોગમાં હળાહળ જૂઠું બોલ્યા છે. તેમણે જાહેરમાં વચન આપ્યું હતું કે, જળ સંચય અભિયાનનો હિસાબ જાહેર કરીશું પણ જાહેર કરાયો જ નહીં. તેથી ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર છૂપાવવા માંગે છે. વરસાદ પડી જતાં આ ભ્રષ્ટાચાર પણ ઢાંકી દેવાશે.
“લોકશાહી બચાવો અભિયાનના આરોપ મુજબ ગુજરાત સરકારે ગયા મે-જૂન માસમાં ચલાવેલા સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનમાં ખરેખર કેટલું કામ કેટલા ખર્ચે થયું તેની સાચી વિગતો છૂપાવીને ગુજરાતની છ કરોડ પ્રજા સાથે છેતરપિંડી આચરી છે. નીતિ આયોગની સંચાલન સમિતિમાં તા. ૧૭ જૂન ૨૦૧૮ના રોજ સીએમએ એમ જણાવ્યું હતું કે, સરકારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દ્વારા ગુજરાતની ૩૨ નદીઓ પુનર્જીવિત કરી છે અને તેમણે તમામ રાજ્યોનના મુખ્ય પ્રધાનોને તે જોવા માટે નિમંત્રણ પણ આપ્યું હતું. પરંતુ આ નદીઓ કઈ તે ગુજરાત સરકારે હજુ સુધી કહ્યું જ નથી. સરકારની કોઈ જ વેબસાઈટ પર આ નદીઓનાં નામ આપવામાં પણ આવ્યાં નથી કે જ્યારે સીએમએ અભિયાન શરૂ કરવામાં આવ્યું. ત્યારે એમ કહ્યું હતું કે, આ અભિયાનનો હિસાબ સંપૂર્ણપણે પારદર્શક રહેશે. જ્યારે હજુ સુધી હિસાબો લોકો સમક્ષ જાહેર કરાયા નથી. અત્યારે તો વરસાદ આવ્યો એટલે આ નદીઓમાં પાણી આવ્યા જ છે અને આપોઆપ જ તે પુનર્જીવિત થઇ ગઈ છે, પણ જ્યારે જળ સંચય અભિયાન ગયા જૂન મહિનામાં પૂરૂં થયું ત્યારે તો નદીઓ કેવી રીતે પુનર્જીવિત થઇ હતી. તેની વિગતો સરકારે આપી નહોતી.
જ્યારે સીએમ પાસે હિસાબ માંગતો પત્ર લખવામાં આવ્યો તો પણ તેમણે હિસાબ આપ્યો નથી. અરજીના જવાબમાં સીએમના કાર્યાલયના ઉપસચિવે ખો આપીને એમ કહ્યું કે, આ અંગે રાજ્ય સરકારના નર્મદા વિભાગનો સંપર્ક કરવો. ઉપસચિવે પોતે તા.૨૮-૦૬-૨૦૧૮ના રોજ રાજ્ય સરકારના જ નર્મદા વિભાગને પત્ર લખીને આ હિસાબ અમને આપવા જણાવ્યું હતું પણ આજે એક મહિનો થવા છતાં તેનો કોઈ હિસાબ અમને આપવામાં આવ્યો નથી.
આને પરિણામે એ દીવા જેવું સ્પષ્ટ થાય છે કે, સરકારે આ આખું અભિયાન ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમનું જે કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું, તેને છાવરવા માટે અને તેના પર ઢાંક-પિછોડો કરવા માટે જ શરૂ કર્યું હતું અને ચલાવ્યું હતું. સીએમએ જાતે જ એમ કહ્યું હતું કે, જળ સંચય અભિયાનમાં કોઈ ભ્રષ્ટાચારને સાંખી લેવામાં આવશે નહીં અને તેના ખર્ચના હિસાબો તરત જ જાહેર કરવામાં આવશે, પણ એવા કોઈ હિસાબો હજુ સુધી જાહેર કરાયા નથી અને માગવા છતાં આપવામાં આવ્યા નથી.
મહત્ત્વનું એ પણ છે કે, સરકારે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમનું કૌભાંડ બહાર આવ્યા પછી એ નિગમની કામગીરી સ્થગિત કરી દીધી હતી અને તેની બધી કામગીરી નર્મદા, જળ સંપત્તિ, પાણી પૂર વઠો અને કલ્પસર વિભાગને સોંપી દીધી હતી.
પણ સરકારની ફરજ છે કે, તે આ કૌભાંડના સંદર્ભમાં કડકમાં કડક પગલાં લે પણ એવાં કોઈ પગલાં તેણે લીધાં હોવાનું નાગરિકોની જાણમાં આવ્યું નથી. જમીન વિકાસ નિગમના ચેરમેન તો આઈએએસ અધિકારી હોય છે તો તેમની સામે કયાં પગલાં લેવાયાં તેની જાણ પણ સરકારે નાગરિકોને કરી નથી. જમીન વિકાસ નિગમનું આ જે કૌભાંડ છે તે તો તદ્દન નવતર પ્રકારના ભ્રષ્ટાચારવાળું છે. તેમાં સરકારની આખી યોજના જ નિગમના અધિકારીઓ ખાઈ ગયા છે. તેનો અર્થ એ થાય છે કે આ મામલો વ્યક્તિગત ભ્રષ્ટાચારનો નથી પણ સામૂહિક કૌભાંડનો જ છે. કદાચ સરકાર તેથી જ કોઈ પગલાં લેતી નથી એમ લાગે છે. જળ સંચય અભિયાન ચલાવીને સરકારે પોતે જ ભ્રષ્ટાચારનો માર્ગ મોકળો કર્યો હતો. જૂનું કૌભાંડ ઢાંક્યું અને નવું કૌભાંડ કર્યું. તેમ સુરેશચંદ્ર મહેતા (ભૂતપૂર્વ સીએમ), મહેશ પંડ્યા અને હેમંતકુમાર શાહે જાહેર કર્યું છે.