“લોકશાહી બચાવો-ખેડૂતોના દેવામાફી”ની માગ સાથે આજે કોંગ્રેસ દ્વારા દેખાવો

અમદાવાદ, તા. ૪
“લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી”ની માગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા આવતીકાલ બુધવારના રોજ રાજ્યના તમામ જિલ્લાના તાલુકા મથકે ધરણા, વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાશે. એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ. મનિષદોશીએ જણાવ્યું છે.
રાજ્યની ભાજપ સરકારની વિશેષતઃ ખેડૂત વિરોધી અને પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે રાજ્યના ખેડૂતો સહિત સમગ્ર પ્રજા ત્રસ્ત છે. ખેડૂતો પાકવીમા, વીજળી, ખેતપેદાશોના અપૂરતા ભાવ સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા છે ત્યારે રાજ્ય સરકારે સત્વરે ખેડૂતોના દેવા માફીનો નિર્ણય લેવાની જરૂર છે. બીજી બાજુ સરકારના પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ વ્યક્ત કરવાની પ્રજાની મૂળભૂત સ્વતંત્રતા ઉપર પણ કાપ મૂકવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે વિરોધ વ્યક્ત કરનારાઓ સામે પણ પ્રતિબંધક કાનૂની જોગવાઈઓનો બેફામ દુરૂપયોગ કરવાનું વલણ અપનાવ્યું હોવાથી પ્રજામાં ભય અને દહેશતનું વાતાવરણ પેદા થયું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાતના સંગઠન પ્રભારી અને સાંસદ રાજીવ સાતવ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી આવતીકાલ તા. પમી સપ્ટેમ્બર, ર૦૧૮ને બુધવારના રોજ સત્યાગ્રહ છાવણી, સેક્ટર-૬, ગાંધીનગર ખાતે “લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી”ની માગણી સાથે ધરણા વિરોધ પ્રદર્શનમાં જોડાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks