હત્યારાઓને રિકન્સ્ટ્રકશન માટે ઘટના સ્થળે લવાતાં લોકટોળાએ માર માર્યો

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૨૪
શહેરના તાંદલજા વિસ્તારમાં પાર્કિંગ મામલે રવિવારનાં રોજ ૨૨ વર્ષીય યુવકની કરપીણ હત્યા કરનાર પિતા-પુત્ર તથા ભાઇને ક્રાઇમ બ્રાંચ પોલીસે સોમવારની રાત્રે મહારાષ્ટ્ર બોર્ડર પાસેનાં નવાપુરા ગામમાંથી ઝડપી પાડયા હતા. ત્રણેવ જણાંને જે.પી. રોડ પોલીસને સોંપ્યા હતા. હત્યાનાં ગુનામાં પોલીસે ત્રણેવ જણાની ધરપકડ કરી આજે હત્યાનાં સ્થળે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવા ત્રણેવ મુખ્ય આરોપીઓને લઇને પહોંચેલી પોલીસ ઉપર સ્થાનિક ટોળાએ હુમલો કરી જાહેર માર્ગ પર હત્યારાઓને મેથીપાક ચખાડયો હતો. જેથી પોલીસ અને આરોપીઓને રીકન્સ્ટ્રકશનની કામગીરી છોડી ભાગવું પડ્યું હતું.
પ્રાપ્ત થતી વિગત અનુસાર તાંદલજા વિસ્તારમાં આવેલ આમીર કોમ્પલેક્ષમાં રહેતાં ઇલીયાસ યાસીનભાઇ મેમણ (ઉ.વ.૨૨) ને પોતાના ઘર નીચે કબીર ચીકન સેન્ટર નામની દુકાન ધરાવતા ફારૂક અબ્દુલ ગફફાર શેખ (ઉ.વ.૫૦) તેનો પુત્ર ફરહાન (ઉ.વ.૨૧) બંન્ને રહે મહાબલીપુરમ તથા ફારૂકના ભાઇ મુનાફ ઉર્ફે મુન્ના શેખ (ઉ.વ.૪૫) સાથે રવિવારનાં રોજ મોડી સાંજે પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો. જેમાં આ ત્રણેવ જણાં તેમજ ફારૂકની પત્ની તથા તેની દુકાનમાં કામ કરતાં પરવેઝ ઉર્ફે ટકલાએ ચાકુ તથા ઇંટ મારી ઇલીયાસની હત્યા કરી નાખી હતી. છોડાવા પડેલ ઇલીયાસના પિતા યાસીનભાઇને પણ જીવલેણ ઇજા પહોંચાડી હતી.
પોલીસે ફારૂકની પત્ની ફરીદાબાનુ અને તેનો નોકર પરવેઝની ધરપકડ કરી હતી. જ્યારે હત્યા બાદ ફરાર થઇ ગયેલ ફારૂક તેનો ભાઇ મુન્ના અને પુત્ર ફરહાન મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ તેમના વતન નવાપુરા ગામે ગયા હોવાનું ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાંચનાં પો.ઇ. ડી.જે. ચુડાસમા હે.કો. જૈનુલ આબેદીન, પ્રવિણસિંહ સહિતનાં સ્ટાફ સાથે વોચ ગોઠવી નવાપુરા ખાતે આવેલ ગાર્ડન હોટલ નજીકથી પિતા-પુત્ર અને ભાઇને ઝડપી પાડી હત્યાનાં ગુનામાં ત્રણેવની ધરપકડ કરી હતી. પોલીસ આજે ફારૂક તેનો ભાઇ મુન્ના, પુત્ર ફરહાનને લઇ ઘટના સ્થળે રીકન્સ્ટ્રકશન માટે લાવી હતી.
ત્રણેવ આરોપીઓને લાવવામાં આવતા સ્થાનિક લોકોનાં ટોળા ભેગા થઇ ગયા હતા. આરોપીઓને જોઇ લોકોનો ગુસ્સો ભભુકી ઉઠયો હતો. ટોળાંએ આરોપીઓને મારવાનું શરૂ કર્યું હતું. લોક ટોળાંથી બચવા માટે ત્રણેવ આરોપીઓ રોડ ઉપર રીતસર મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા હતા. પોલીસે આરોપીઓને ટોળાંથી બચાવવા પ્રયાસ કરવા પોલીસે પણ ભાગવું પડ્યું હતું. આમ, પોલીસને પણ હત્યાની ઘટનાનું રીકન્સ્ટ્રકશન પડતું મુકવાની ફરજ પડી હતી. આરોપીઓ ઉપર સ્થાનિક લોકો દ્વારા કરાયેલા હુમલાનો વિડીયો ગણતરીની મિનીટોમાં સોશ્યલ મિડીયા ઉપર થયો હતો. જેને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. યુવાનની હત્યા અંગે સ્થાનિક લોકોમાં હત્યા શેખ પરિવાર સામે રોષ ભભૂકી ઉઠયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks