લંડનના અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં વિસ્ફોટ, ૨૨ ઘાયલ, ૨૫૦ને બચાવાયા

(એજન્સી) લંડન, તા.૧૫
દક્ષિણ પૂર્વ લંડનમાં આવેલા પારસન્સ ગ્રીન અંડરગ્રાઉન્ડમાં ભયાનક વિસ્ફોટ થતા ભારે અફરા તફરી મચી ગઇ હતી જ્યારે વિસ્ફોટને કારણે ૨૨ લોકો ઘવાયા હતા અને સ્ટેશનમાંથી ૨૫૦ લોકોને સલામત રીતે ઉગારી લેવામાં આવ્યા હતા. વિસ્ફોટને પગલે સ્ટેશન પર હાજર લોકોમાં ભારે દહેશત ફેલાઇ ગઇ હતી. લંડન માટેના પવરિવહન વિભાગે જણાવ્યું હતું કે, સલામતીના કારણોસર ટ્રેનની લાઇનને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી છે. અહેવાલોમાં જણાવાયું હતું કે, સ્ટેશન પર મુકેલા ઘણા સામાનમાં એક સુપરમાર્કેટની બેગમાં મુકેલા શંકાસ્પદ સામાનમાંથી વિસ્ફોટ થયો હતો જેના કારણે ઘણા લોકો ઘવાયા હતા. અંડરગ્રાઉન્ડ સ્ટેશન હોવાને કારણે બહાર આવવા માટે લોકોમાં ધક્કામુક્કી સર્જાઇ હતી.
પારસન્સ ગ્રીન્સ અંડરગ્રાઉન્ડ સ્ટેશન પર થયેલા વિસ્ફોટ બાદ ભારે નાસભાગ મચી ગઇ હતી જ્યારે પોલીસે આને આતંકવાદી હુમલા સાથે સાંકળ્યો છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર વિસ્ફોટમાં ઘણા લોકો ઘવાયા છે. મોટી સંખ્યામાં લોકોના શરીર બળી ગયા હતા અને કેટલાકના મોઢા પણ બળ્યા હતા. વિસ્ફોટ બાદ ફાયરબ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ વિસ્ફોટ લંડનના ટ્યૂબ ટ્રેન રૂટ પારસન્સની અંદર થયો હતો જે લંડનના સમયાનુસાર સવારે ૮.૨૦ કલાકે થયો હતો.ઘવાયેલાઓને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે ટ્રેનના કેટલાક રૂટને સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વર્ષના માર્ચ મહિનાથી બ્રિટનમાં કુલ પાંચ હુમલા થઇ ચુક્યા છે જેમાં વેસ્ટમિન્સ્ટર બ્રિજ, વેસ્ટમિન્સ્ટર પેલેસ, માન્ચેસ્ટર અરેના અને લંડનની મસ્જિદ પરના હુમલાનો પણ સમાવેશ થાય છે. જોકે પારસન્સ હુમલાએ ફરી એકવાર ૧૨ વર્ષ પહેલાં થયેલા આતંકવાદી હુમલાની યાદ અપાવી દીધી હતી જેમાં ૫૨ લોકો માર્યા ગયા હતા તથા હુમલાને કારણે લંડનમાં બસો અને ટ્યૂબ ટ્રેનોના વ્યવહારો ખોરવાઇ ગયા હતા. મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યં હતું કે, તેઓ આ ગંભીર હુમલાની તપાસ કરી રહ્યા છે જેમાં નાનકડા પેેકેટમાં ભયાનક વિસ્ફોટક ભરેલું હતું. ઘટનાને પગલે સમગ્ર સ્ટેશન તથા તેની આસપાસના વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો.
અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટ બાદ
બ્રિટનમાં થયેલો આ પાંચમો આતંકી હુમલો
(એજન્સી) તા.૧પ
લંડનમાં અંડરગ્રાઉન્ડમાં થયેલ ટ્રેન વિસ્ફોટમાં આશરે રર લોકો ઘાયલ થયા છે. ચાલુ વર્ષમાં બ્રિટનમાં આતંકવાદીઓનો આ પાંચમો હુમલો છે. આ પહેલાં ચાર હુમલાઓ પણ બ્રિટનની અલગ અલગ જગ્યાઓ પર થઈ ગયા છે. સૌપ્રથમ ચાલુ વર્ષના માર્ચ મહિનામાં લંડનના વેસ્ટમિનિસ્ટર પુલ પર એક કારે ચાર રાહદારીઓને કચડી નાંખ્યા હતા અને ત્યારબાદ પાર્લામેન્ટની બહાર એક પોલીસની ચાકુ વડે હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે મે મહિનામાં પોપના કાર્યક્રમમાં મેનચેસ્ટર ખાતે આત્મઘાતી હુમલાવરે પોતાની જાતે ઉડાવી રર લોકોની હત્યા કરી દીધી હતી અને તેના જ ત્રણ મહિના બાદ આતંકવાદીઓએ લંડનના પુલ પર રાહદારીઓને ચાકુ વડે રહેંસી નાંખ્યા હતા જેમાં આઠ લોકોનાં મોત થયા હતા. જૂનમાં મસ્જિદની નજીક એક વાન દુકાનમાં ઘૂસી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બ્રિટનના મુખ્ય સિનિયર પોલીસ માર્ક રોવલીએ જણાવ્યું કે, ગત વર્ષ અને ચાલુ વર્ષમાં ઘણા બધા આતંકી સંબંધી વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષના માર્ચ સુધીમાં ૧૩ આતંકી હુમલાઓને પોલીસે નિષ્ફળ બનાવ્યા છે અને છેલ્લા ૧૭ સપ્તાહમાં આતંકવાદીના ૪ હુમલાઓથી પોલીસ ડિપાર્ટમેન્ટ હચમચી ગયું છે.

આવા હુમલાઓથી અમે ક્યારેય ડરીશું નહીં : લંડનના મેયર સાદિકખાન
લંડન, તા. ૧૫
લંડનના પારસન્સ ગ્રીન અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન પર ભયાનક વિસ્ફોટને પગલે પ્રાંતની તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઇ છે. લંડનની મેટ્રોપોલિટન પોલીસે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ હુમલાના પગલે તાકીદની બેઠક બોલાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, અમે આને આતંકવાદી હુમલો ગણાવી તેની તપાસ કરી રહ્યા છીએ. આ દરમિયાન લંડનના મેયર સાદિકખાને જણાવ્યું હતું કે, લોકોના જીવન અને સંપત્તિને નુકસાન પહોંચાડનારા આવા હિચકારી આતંકવાદી હુમલાથી લંડનના લોકો ડરશે નહીં. લંડનના લોકોએ વારંવાર સાબિત કર્યું છે કે, તેઓ આતંકવાદી હુમલાથી ક્યારેય ડરશે પણ નહીં અને હારશે પણ નહીં. આ સાથે જ તેમણે લંડનવાસીઓને શાંતિ જાળવવા અને સુરક્ષાની અપીલ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks