કાર ભાડે કરી અમદાવાદ જતા ત્રણ શખ્સોએ ચાલકને લૂટી લીધો

હિંમતનગર,તા.૧૮
રાજસ્થાનના ભીલવાડાથી ત્રણ શખ્સોએ એક કાર ભાડે કરી તેને અમદાવાદ એરપોર્ટ પર જવાનું કહી હિંમતનગરના ગાંભોઈ નજીક પેશાબ કરવાના બહાને આ ત્રણેય શખ્સોએ કાર ચાલકને ઉભા રાખી તે પૈકી એક શખ્સે કાર ચાલકના લમણે રિવોલ્વર મુકી તેની પાસેથી રવિવારે રાત્રે રૂા.૯ર૦૦ તથા અન્ય દસ્તાવેજોની લૂંટ કરી ચાલકને રસ્તામાં ઉતારી મુકી આ ત્રણેય શખ્સો ભાગી ગયા હતા. જેથી કારના ચાલકે સોમવારે ત્રણેય જણા વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ગાંભોઈ પોલીસ સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ રવિવારે રાજસ્થાનના ભીલવાડા ખાતેથી ત્રણ શખ્સોએ એક કારના ચાલકને અમદાવાદ એરપોર્ટ પર કોઈ સગા દુબઈથી આવવાના હોવાથી લેવા જવા માટે કહીને કાર ભાડે કરી આવી રહ્યા હતા. ત્યારે તેઓ શામળાજીથી હિંમતનગર વચ્ચે ગાંભોઈ નજીકથી રાત્રીના સમયે પસાર થતા હતા ત્યારે કારમાં બેઠેલા શખ્સો પેશાબ કરવાનું કહી નીચે ઉતર્યા હતા. દરમ્યાન ત્રણ પૈકી એક શખ્સ ચાલક પ્રભુજી તાલી (રહે. ભીલવાડા, રાજસ્થાન)ની બાજુની સીટમાં ગોઠવાઈ ગયો હતો અને બાકીના બે શખ્સોએ પાછળ બેસી અચાનક કાર ચાલકની ગરદન પકડી લીધી હતી અને ચાલકની બાજુમાં બેઠેલા શખ્સે લૂંટ કરવાના ઈરાદે ચાલકના લમણે રિવોલ્વર ધરીને તેની પાસેથી તેના ખિસ્સામાં રહેલ રૂા.૯ર૦૦ રોકડા, આધરકાર્ડ, એટીએમ કાર્ડ પડાવી લઈ આ ત્રણેય શખ્સોએ ચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી તેને કારમાંથી ઉતારી મુકી રાત્રીના સમયે કાચા રસ્તે થઈને ત્રણેય જણા કાર લઈને ભાગી ગયા હતા. જે અંગે કાર ચાલક પ્રભુજી તાલીએ આ ત્રણેય અજાણ્યા શખ્સો વિરૂધ્ધ સોમવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts