(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
ઘરેલું ગેસ સિલિન્ડરમાં દરમહિને ચાર રૂપિયાના વધારાના સરકારના નિર્ણય સામે રાજ્યસભામાં સમગ્ર વિપક્ષે એકજૂટ થઇ સુનાવણી ખોરંભે પાડી દીધી હતી. વિપક્ષના ભારે હોબાળા બાદ ઉપાધ્યક્ષ પીજે કુરિયને બપોર સુધી સુનાવણી મુલતવી રાખવાની ફરજ પડી હતી. તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશના લોકોને અસર કરતી બાબતની ચર્ચા પહેલા થવી જોઇએ. ડેરેક ઓબ્રાયને જણાવ્યંુ હતું કે, લોકોને સબસિડીવાળા ભાવમાં ગેસ સિલિન્ડર આપવાના વાયદાનો સરકાર ભંગ કરી રહી છે. ઇંધણના ભાવો પ્રતિબેરલ ૧૧૧ ડોલરથી ૪૮ ડોલર સુધી આવી ગયા છતાં સરકાર રાંધણગેસ સિલિન્ડરમાં ભાવવધારો ઝીંકી રહી છે.
ડેરેક ઓબ્રાયને જણાવ્યું કે, શા માટે તેઓ વાયદા કરે છે અને જો વાયદા કરે છે તો અમલમાં કેમ નથી લાવતા. સીપીએમના સીતારામ યેચૂરીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી કહે છે કે, લોકો પોતે જ સબસિડી છોડી રહ્યા છે જેથી હવે જરૂરિયાત વાળા અને ગરીબ લોકોને સબસિડીવાળા સિલિન્ડર આપી શકાશે. પરંતુ સરકારે હવે એવું નક્કી કર્યું છે કે, દરમહિને ગરીબ લોકો પર પણ એક સિલિન્ડર પર ચાર રૂપિયાનો વધારો ઝીંકી દેવાશે. આ વખોડવા જેવી બાબત છે અને સરકારે પોતાનો નિર્ણય પરત લેવો જ જોઇએ. બીજી તરફ સીપીએમના તપન સેને જણાવ્યંુ કે, લોકો સાથે છેતરપિંડી કરાઇ રહી છે. સમાજવાદી પાર્ટીના નરેશ અગ્રવાલે જણાવ્યું કે, આ નફા માટેની સરકાર છે. આ દરમિયાન કલમ ૨૬૭ હેઠળ પીજે કુરિયને નોટિસને ફગાવી દીધી હતી પરંતુ આ મુદ્દે ચર્ચા કરવા પરવાનગી આપી હતી.
પીજે કુરિયનના આ વલણ સામે વિપક્ષ એકજૂથ થઇ વેલમાં ધસી આવ્યો હતો અને નારેબાજી શરૂ કરી હતી જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી ૧૦ મિનિટ માટે ખોરવાઇ ગઇ હતી. જ્યારે ફરી કાર્યવાહી શરૂ થઇ ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે મુદ્દો ઉઠાવતા કહ્યું કે, ગરીબ લોકોને સબસિડીવાળા ગેસ સિલિન્ડર મળે તે માટે લોકો પોતે જ સબસિડી પડતી મુકી રહ્યા છે પરંતુ સરકાર તો એક જ વર્ષમાં ગરીબોનું મારણ કરી રહી છે જ્યારે એક વર્ષ બાદ એલપીજીની કિંમતમાં ૪૮ રૂપિયા વધી ગયા હશે આ જ સમયે વૈશ્વિક કાચા તેલના ભાવોમાં ઘણા વર્ષનો નીચો ભાવ ચાલી રહ્યો છે આ બાબત મંજૂર નથી.