જામનગર, તા.૩૦
જામનગરના ખેતાણી પરિવારના પુત્ર અને પુત્રવધુ સપ્તાહ પહેલાં ચેન્નઈ તરફ ફરવા માટે ગયા પછી રવિવારે રામેશ્વરમથી મદુરાઈ તરફ જતા આ દંપતીની મોટરને અકસ્માત નડતા નગરના પરિવારના જુવાનજોધ પુત્રનું નિધન થયું છે. આ બાબતની તે યુવાનના પત્નીને જાણ થતા હાલમાં ગર્ભવતી રહેલા આ મહિલા પર જાણે કે વીજળી ત્રાટકી છે. જામનગરની કેતન સોસાયટી-બેડમિન્ટન હાઉસ પાસે રહેતા મનિષભાઈ ભરતભાઈ ખેતાણી (ઉ.વ.૨૭)ના લગ્ન એકાદ વર્ષ પહેલાં તોરલબેન (ઉ.વ.ર૩) સાથે થયા હતા. આ દંપતી ગયા સપ્તાહે ચેન્નઈ નજીક આવેલા રામેશ્વરમમાં ફરવા માટે ગયું હતું. રવિવારે રામેશ્વરમ દર્શન કર્યા પછી સવારે એક મોટર ભાડેથી રાખી તેમાં મદુરાઈ જવા માટે રવાના થયું હતું. આ મોટર મદુરાઈ ધોરીમાર્ગ પર પહોંચી ત્યારે પાછળથી ધસી આવેલી એક કાળમુખી લકઝરી બસે ઠોકર મારતા ડ્રાઈવરની પાછળની સીટમાં બેસેલા મનિષભાઈ તથા તોરલબેનને ગંભીર ઈજા પહોંચી હતી. ધોરીમાર્ગ પર ઘવાયેલી હાલતમાં પડેલા આ દંપતીને ત્યાંથી પસાર થયેલી એક રિક્ષાચાલકે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા પછી હાયર સેન્ટર લઈ જવાનો અભિપ્રાય મળતા એમ્બ્યુલન્સ મારફત મદુરાઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જ્યાં મનિષભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. મદુરાઈની હોસ્પિટલમાં તોરલબેનને આપવામાં આવેલી તાકીદની સારવારથી તેણીનો બચાવ થયો છે. જ્યારે તોરલબેને પોતાના ફોનમાંથી આ રિક્ષાચાલકને પોતાના સગા-સંબંધીઓને જાણ કરવાનું કહેતા તે રિક્ષાચાલકે તોરલબેનને તેમના પતિ મનિષભાઈનું અવસાન થયાની જાણ ન થાય તે રીતે તેમના પરિવારને જાણ કરી હતી ત્યાર પછી મદુરાઈ એરપોર્ટ પર આસી. કસ્ટમ કમિશનરની ફરજ બજાવતા મૂળ અમદાવાદના અધિકારીએ આ રિક્ષાચાલકને તોરલબેનને મદુરાઈની મિશન હોસ્પિટલમાં ખસેડવા માટે સૂચના આપ્યા પછી મદુરાઈની હોસ્પિટલમાં તોરલબેનને સારવાર આપવામાં આવી હતી. તે દરમિયાન જામનગરનો ખેતાણી પરિવાર ત્યાં રાજકોટ પહોંચ્યો હતો, જ્યારે મદુરાઈથી તોરલબેનને ફલાઈટમાં રવાના કરાયા હતા તથા મનિષભાઈના મૃતદેહને પણ તે જ ફલાઈટમાં રવાના કરાયો હતો ત્યાર પછી વાયા મુંબઈ થઈ ફલાઈટ રાજકોટ પહોંચી ત્યાંથી કાર મારફતે જ્યારે તોરલબેનને જામનગર લાવતા હતા ત્યારે માર્ગમાં તેણીએ મનિષભાઈ ક્યાં છે? તેમ પૂછતા તેણીને મનિષનો મૃતદેહ મોટરમાં સાથે જ લાવવામાં આવી રહ્યો હોવાની ચોખવટ કરાતા હાલમાં ગર્ભવતી રહેલા આ મહિલા પર વીજળી ત્રાટકી હતી. ઉપરોક્ત બનાવે ભારે ગમગીની પ્રસરાવી છે.