(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર,તા.૩૧
અંકલેશ્વર શહેરમાં ગત તા.ર૬મી ઓગસ્ટના રોજ એક મહિલાને અકસ્માત નડતા ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. જેઓને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં તાત્કાલિક અસરે ખસેડવાની ફરજ પડી હતી. ઈજાગ્રસ્ત મહિલાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોઈ તેમના પરિવારજનોએ જયાબેન મોદી હોસ્પિટલના સત્તાધીશોને તાજેતરમાં રાજય સરકારની યોજના હેઠળ સારવારને આવરી લેવા વિનંતી કરી પરંતુ હોસ્પિટલ સત્તાધીશોએ એવી કોઈ યોજના અંગેની જાણ તેઓને ન હોવાનું જણાવી સારવારનો ખર્ચ દર્દીએ ભોગવવો પડશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા.૧૬-પ-ર૦૧૮ના ઠરાવથી વાહન અકસ્માતના પ્રથમ ર૪ કલાક દરમ્યાન રાજયની તમામ સરકારી હોસ્પિટલો, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો, કે ખાનગી હોસ્પિટલોમાં કોઈપણ આવક મર્યાદા ધ્યાને લીધા વગર પ્રત્યેક ઈજાગ્રસ્ત દીઠ રૂા.પ૦ હજારની મફત સારવાર તાત્કાલિક મળવા પાત્ર રહેશે જેનો પાછળથી ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ભોગવવામાં આવશે તેવી યોજના અમલી બનાવાઈ છે. જો કે અંકલેશ્વર ખાતેના આ અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત મહિલાની સારવાર અંગે જયાબેન મોદી હોસ્પિટલના સત્તાધીશોએ નનૈયો ભણતા વિવાદ ઉભો થવા પામ્યો હતો.
જો કે પાછળથી જમાં અમૃતમ કાર્ડ યોજના અંતર્ગત તેણીની સારવાર થઈ હતી. આ બનાવમાં બહાર આવેલી ગંભીરતા જોતા વિનય વસાવા નામના જાગૃત યુવા અગ્રણીએ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત જિલ્લા કલેકટરને લેખિત અમરજી કરી વાહન અકસ્માતો દરમ્યાન ઈજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે પ૦ હજાર સુધીની આરોગ્ય સુવિધા મળી રહે તે માટે ભારપૂર્વક માગણી કરી છે.