અમદાવાદ,તા.૩
જેતપુરના પેઢલા ખાતે થયેલા મગફળીકાંડ મામલે સુપ્રીમકોર્ટના સિટીંગ જજ દ્વારા તટસ્થ તપાસની માગણી કરતો પત્ર પરેશ ધાનાણીએ ગુરૂવારે મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો હતો જેમાં આ માગણી નહીં સંતોષાય તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે આજે પેઢલા ગામે પરેશ ધાનાણી, કોંગી કાર્યકરો સહિતના અગ્રણીઓએ ધરણા શરૂ કર્યા હતા. તેમજ આ ધરણા માટે સરકારે મંજૂરી પણ આપી ન હતી. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. કે મગફળીકાંડની ન્યાયિક તપાસ માટે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની મંજૂરી ન આપીને ભાજપ સરકાર સત્યને છુપાવવાના અને ભ્રષ્ટાચારને છાવરવાના પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં પેઢલા ગામે મોટી ધણેજ સેવા સહકારી મંડળી મારફત સંગ્રહાયેલી મગફળી વેપારીઓએ લેવાની ના પાડતા આ કોથળાઓની તપાસ દરમ્યાન તેમાંથી મોટા પ્રમાણમાં માટી-ધૂળ-ઢેફા-રેતી મળી છે. તેવી જ રીતે ટેકાના ભાવે ખરીદાયેલ રૂા. ૩પ૦૦ કરોડની મગફળી જે ગોડાઉનોમાં સંગ્રહીત છે. તે તમામ મગફળીના કોથળાઓમાં માટી ધૂળ-ઢેફા-રેતી ભરેલા છે. જેથી તે તમામ કોથળાઓ સરકારી તંત્ર-વિપક્ષ, ખેડૂત સમાજના પ્રતિનિધિઓ અને મીડિયાના મિત્રોની હાજરીમાં ઊંધા ઢાલવીને મગફળીની ગુણવત્તા ચકાસવા અને ઉચ્ચન્યાય પાલિકાના ન્યાયધિશોની અધ્યક્ષતામાં સમગ્ર પ્રકરણની વિપક્ષ અને ન્યાયી તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા ગઈકાલ તા.ર-૮-ર૦૧૮ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખી વિનંતી કરી છે અને જો ઉચ્ચન્યાય પાલિકાના સિટીંગ જજ દ્વારા આ મગફળી કાંડની તપાસની માગણી નહીં સ્વીકારાય તો ગાંધીચિંધ્યા માર્ગે વિવિધ જગ્યાએ ધરણા-ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ઉચ્ચારી હતી. વિરોધ પક્ષના નેતાના પત્ર બાદ પણ રાજય સરકાર તરફથી તપાસની માગણીનો સ્વીકાર નહીં થવાથી આજ રોજ તા.૩-૮-૧૮ શુક્રવારના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા મુકામે વિરોધ પક્ષના નેતા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો-આગેવાનો, પ્રજાજનો સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. તેમજ આવતીકાલ ૪-૮-૧૮ શનિવારના રોજ રામરાજય ગોડાઉન ઉમરાળા રોજ મુ. તા. ગોંડલ જિલ્લો રાજકોટ ખાતે મગફળી કાંડની ઉચ્ચ ન્યાય પાલિકાના સિટીંગ જજ દ્વારા તપાસ કરવાની માગણી સાથે ગાંધીચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ-ધરણા કરશે. વિરોધ પક્ષના નેતાએ સરકારના આ વલણને ભ્રષ્ટાચાર છાવરવાનું પગલું ગણાવી આંદોલન કરવા માટે મંજૂરી ન આપવાના તંત્રના વળણ સામે પણ ભારે રોષ વ્યકત કર્યો છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે આંદોલનથી આઝાદ થયેલ ગરવા ગુજરાતમાં મગફળી કાંડનું ન્યાય તપાસ માટે ગાંધીચિંધ્યા માટે આંદોલન કરવાની મંજૂરી નહીં આપીને ભાજપ સરકાર સત્યને ચુકવવાના અને ભ્રષ્ટાચારને છાવરવાના પ્રયાસો કરી રહી છે.