મગફળી કૌભાંડમાં જો નાફેડ જવાબદાર હોય તો સરકાર કેસ કરે

અમદાવાદ, તા.૮
મગફળી કૌભાંડમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે નાફેડના ચેરમેને સરકારને પડકાર ફેંકતું નિવેદન આપ્યું છે કે, મગફળી કૌભાંડમાં નાફેડ જવાબદાર હોય તો સરકાર કેસ કરે તો નાફેડના ચેરમેનના વાર પર પલટવાર કરતા નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે કે મગફળીકાંડમાં કોંગ્રેસ અને નાફેડ વચ્ચે સાંઠગાંઠ હોઈ શકે છે. એટલે હાલ મગફળીકાંડ મામલે નાફેડ અને સરકાર સામસામે આવી ગયા છે. એટલે મગફળી કૌભાંડમાં આક્ષેપ પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સત્ય શું છે તે તો તટસ્થ તપાસ બાદ જ બહાર આવશે.
નાફેડના ચેરમેન વાઘજી બોડાએ હવે સીધા જ કૃષિ પ્રધાન અને સરકાર સામે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમણે કૃષિ પ્રધાન ફળદુને આડે હાથે લેતા કહ્યું છે કે નાફેડ સામે આંગળી ચિંધે છે પણ તેમની પાસે અભ્યાસ નથી. તેમણે મગફળી કૌંભાંડમાં નાફેડ જવાબદાર હોય તો સરકારે નાફેડ ઉપર કેસ કરવાનો પડકાર ફેંક્યો છે.
ગુજકોમાસોલના ચેરમેન અને મુખ્યમંત્રી વચ્ચે મનમેળ ન હોવાથી ફડચામાં ગયેલ મંડળીઓને ખરીદીનું કામ સોંપાયાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે ફડચામાં ગયેલી ગુજકોટને પણ ૮૦ ટકા ખરીદીની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે.
ટંકારા તાલુકા કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠકમાં વાઘજી બોડાએ સરકાર ઉપર પ્રહાર કર્યા છે. તેમણે સરકારને વ્હાઇટ કોલર સરકાર ગણાવી હતી. તેમણે કહયું હતું કે પગના તળિયા બળે એટલે પરિવર્તન આવે. લોકોના પગના તળિયા બળવા લાગ્યા છે. તેમણે કોંગ્રેસને એક થઇને કામ કરવાની પણ હાકલ કરી હતી.
ફડચામાં ગયેલ મંડળીઓ અને દુધ સંઘોને કેમ મગફળીની ખરીદી સોંપી તેવો સવાલ પણ તેમણે કર્યો છે. વાઘજી બોડાએ પોરબંદર, કુતિયાણા, ગોંડલ, જામનગરની મંડળીમાંથી કરવામાં આવેલ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ મૂક્યો હતો. તેમણે મગફળીકાંડમાં સરકારને જ ચોર ગણાવી હતી. આ સાથે તેમણે મોરબી-ટંકારાને પોતાનો વિસ્તાર ગણાવી ત્યાંથી એક કિલો પણ કાંકરી શોધી આપે તો જાહેર જીવન છોડી દઇશ અને આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks