મહાકાય ટ્રેલરે ખેડૂત સહિત બેને કચડ્યા : એક શ્રમિકને ગંભીર ઈજા

જામનગર, તા.૨૧
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા પાસે બપોરે આગળ જતી એક મોટરને બચાવવાના પ્રયાસમાં મહાકાય ટ્રેલરે રોડ પર પલ્ટી મારતા તેની નીચે ફલ્લાના એક પટેલ ખેડૂત અને શ્રમિક ચગદાઈ ગયા હતા. જ્યારે ત્રીજા શ્રમિકને ગંભીર ઈજા થઈ હતી. ટ્રેલરને સીધુ કરવા માટે જેસીબી તથા ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા ગામમાં વસવાટ કરતા અને ખેતીકામ કરતા લખમણભાઈ ઓધવજીભાઈ આદ્રોજા નામના પટેલ પ્રૌઢ ગઈકાલે બપોરે એક વાગ્યે પોતાના ખેતરમાં શ્રમિક તરીકે રહેલા ટીલુભાઈ આદિવાસી તથા એક અજાણ્યા આદિવાસી યુવાન સાથે ફલ્લા ગામના ધોરીમાર્ગ પર આવેલી મંછાભાઈની હોટલ પાસે ઊભા હતા. આ વેળાએ જામનગર તરફથી પૂરઝડપે ધસી આવેલા રાજસ્થાનના આરજે-૧૪-જીબી ૬૪૪૭ નંબરના એક ટ્રેલરે આગળ જતી મોટરને બચાવવાના પ્રયાસમાં પોતાના ચાલકના કાબૂ બહાર જઈ રોડની સાઈડમાં ઊભેલા લક્ષ્મણભાઈ અને બન્ને આદિવાસી શ્રમિકોને ઠોકરે ચડાવ્યા હતા ત્યાર પછી આ ટ્રેલર રેલીંગમાં અથડાઈ રોડ પર આડું પડી ગયું હતું. જેના કારણે ટેઈલરના તોતિંગ ઠાઠાની નીચે લક્ષ્મણભાઈ (ઉ.વ.પ૦) અને ટીલુભાઈ ચગદાઈ ગયા હતા. જ્યારે ત્રીજા આદિવાસી શ્રમિકને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત વેળાએ બનાવના સ્થળે હાજર લોકોએ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવાની તજવીજ શરૂ કરી ૧૦૮ તથા પોલીસને જાણ કરી હતી. પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડ્યો હતો. ઈજાગ્રસ્તને જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા પછી નાગજીભાઈ ગગુભાઈ દલસાણિયાએ આ અકસ્માત અંગે વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે ટેઈલરના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks