અમદાવાદ, તા.૧
અમદાવાદની પોલીસે ઓનલાઇન નેટબેકિંગ દ્વારા કૌભાંડની એક નવી મોડ્સ ઓપરેન્ડી શોધી કાઢી છે. શહેરની વટવા પોલીસ દ્વારા જીવીત વ્યક્તિના મરણ પ્રમાણપત્રના આધારે ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મહારાષ્ટ્રની ગેંગ આવા મૃત્યુ પ્રમાણપત્ર ઉપર ચાલુ સિમકાર્ડ ખરીદી લઈને તેના ઉપર ઓટીપી મેળવીને નેટબેકિંગ દ્વારા છેતરપીંડી આચરતી હતી.
આ રીતે આ ગંગે રૂ. ૫.૭૦ લાખની છેતરપીંડી કરી હતી. પોલીસે મહારાષ્ટ્રની ગેંગના ૩ આરોપીઓને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રના આઈટી નિષ્ણાત યુવકો અભિષેક ઉર્ફે વિશાલ, હબીબ ઉર્ફે અક્રમ ચૌધરી અને દિવાકર રાય મૃત્યુ પ્રમાણપત્રના આધારે ચાલુ સિમકાર્ડ ખરીદતા હતા અને ત્યાર બાદ નેટબેકિંગ દ્વારા છેતરપીંડી આચરતા હતા.
આ ઠગ ટોળકીએ ગુજરાતના વેપારીઓને ટાર્ગેટ કરીને ઓનલાઈન બેકિંગ કરીને છેતરપીંડી આચરતા હોવાનું ખુલ્યું છે. વટવાની કંપનીના મેનેજરનો મોબાઈલ નંબર બંધ થઈ જતાં ઠગાઈનો પર્દાફાશ થયો હતો.