મહેસાણા-રાધનપુરના જાંબાઝ યુવાનોએ ધસમસતાં પાણીમાં જઈ રાહત સામગ્રી વહેંચી

(સંવાદદાતા દ્વારા)
પાટણ, તા.૧
પૂરગ્રસ્ત પાટણ જિલ્લાના સમી, રાધનપુર અને સાંતલપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં પાણી ફરી વળતા રોડ, રસ્તાઓનું ભારે ધોવાણ થયું છે. હજુ પણ કેટલાય ગામોમાં પાણી ભરાયેલા છે અને રાહત સામગ્રી પહોંચી શકી નથી. તેવા વેડ, પાટી, નજુપુરા, અબિયાણા, ગુલાબપુરા, રાજુસરા અને ગોતરકા શરીફની આજુબાજુ આવેલા ગામોમાં ઉત્તર ગુજરાત મુસ્લિમ યુવા સંગઠન મહેસાણાના જાંબાઝ યુવાનોએ જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે થઈ રાહત સામગ્રી પહોંચાડી તેનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત મોહદ્દીષે આઝમ મિશનની વિવિધ બ્રાંચો, રાધનપુર અને વારાહીના સ્થાનિક મુસ્લિમ યુવાનો ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિત રાજ્યના વિવિધ ગામોની મુસ્લિમ સંસ્થાઓ દ્વારા આવતી રાહત સામગ્રીનું નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર અસરગ્રસ્ત અને વધુ પ્રભાવિત અંતરિયાળ ગામોમાં જઈ વિતરણ કરી ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહમ્મદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)એ આપેલા સંદેશા મુજબ ‘હુકુકુલ ઈબાદત’ એટલે માનવ સેવાનો ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી રહ્યા છે.
પાટણ જિલ્લામાં મેઘ તાંડવ અને પૂર પ્રકોપના કારણે અંતરિયાળ અને રણના કાંઠે આવેલા ગામોમાં ભારે વિનાશ સાથે તબાહી સર્જાઈ છે. કેટલાક ગામો તો અસરગ્રસ્ત તરીકે ધ્યાન ઉપર પણ આવ્યા નથી એવા સમી તાલુકાના રણની કાંધીએ આવેલા વેડ, પાટી, કરશનગઢ, અબિયાણા ગામોમાં લોકોની હાલત કફોડી હોવાની અને કોઈ જ રાહત સામગ્રી પહોંચી નહી હોવાના સમાચાર પાટણ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી અસરગ્રસ્ત ગામોમાં સેવારત બનેલા ઉત્તર ગુજરાત મુસ્લિમ યુવા સંગઠનના પ્રમુખ બાબાખાન બાબી અને અબ્દુલ્લાહખાનને મળતા જિલ્લા કલેક્ટર આનંદ પટેલનો સંપર્ક કર્યો હતો અને તેમના માર્ગદર્શન હેઠળ આ ચારેય ગામોના રસ્તા ધોવાઈ ગયા હોવા છતાં મહેસાણા-રાધનપુરના જાંબાઝ મુસ્લિમ યુવાનોએ ધસમસતા પાણીમાં જઈ જે-તે ગામોમાં પહોંચ્યા હતા અને રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું.
પાટણ જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં સેવારત બનેલા ઉત્તર ગુજરાત મુસ્લિમ યુવા સંગઠનના પ્રમુખ બાબાખાન બાબીએ જણાવ્યું હતું કે રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના અંતરિયાળ ગામોમાં હજુ જોઈએ તેવી રાહત સામગ્રી પહોંચી શકી નથી. આવા પૂરપીડિતોની હાલત દયનીય બની છે. તેઓને વેદના સરકાર, વહીવટીતંત્ર અને અન્ય સ્વયંસેવી સંસ્થાઓ સુધી પહોંચાડવા આશ્વાસન આપ્યું હતું અને શક્ય તેટલી વહેલી બીજી રાહત સામગ્રી આ અસરગ્રસ્ત ગામડાઓમાં પહોંચાડવાની વ્યવસ્થાની ખાતરી આપી હતી.
આ ઉપરાંત ગોતરકા શરીફ અને તેની આજુબાજુના ગામડાઓ ગુલાબપુરા, અબીયાણા, વારાહી અને સિઘાડાના મુસ્લિમ યુવાનો અલગ-અલગ ટીમો બનાવી મોહદ્દીસે આઝમ મિશનની વિવિધ બ્રાંચો તથા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને અમદાવાદ બાજુથી આવતી રાહત સામગ્રીનું વિતરણ કરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks