(સંવાદદાતા દ્વારા)
ડભોઈ, તા.રર
ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) વિરૂદ્ધ રાજકોટની બુટલેગરે કરેલા અભદ્ર અને સમગ્ર મુસ્લિમ સમાજની લાગણીને દુભાવે એવા નિવેદનનો વિરોધ નોંધાવવા ડભોઈના મુસ્લિમ સમાજે વિશાળ રેલી કાઢીને ડભોઈના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સોનુ ડાંગરની સામે સખત કાનૂની કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
રાજકોટની બુટલેગર સોનુ ડાંગરે ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર મોહમ્મદ(સ.અ.વ.) કે જેઓએ વિશ્વને શાંતિ, એકતા અને જે દેશમાં રહો એ દેશને વફાદાર થઈને રહો એવો સંદેશો આપનારની સામે અભદ્ર અને સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાય એવા નિવેદનો કર્યા છે. જેણે ભારે વિવાદ અને વિરોધ જગાવ્યો છે. આખાય દેશના મુસ્લિમો દ્વારા સોનુ ડાંગરની સામે સખતમાં સખત પગલાં લેવાની માગણી કરાઈ રહી છે. ડભોઈના એડવોકેટ યાકુબભાઈ દિવાન, ડૉ. અબ્દુલ હૈ સૈયદ, ડૉ. આદમ ખત્રી, વેપારી આગેવાન ઈબ્રાહીમભાઈ મહુડાવાલા, યુસુફ ફાતિયા, ઐયુબ ઘાંચી, જાવેદ શેખ, કડિયા જમાતના પ્રમુખ હાજી સિકંદરભાઈ લગનીયા, તાઈ સમાજના અગ્રણી જમાલભાઈ મીલન, હાજી શબ્બીર અત્તરવાલા, કાદર ટીપટોપ વગેરેના નેતૃત્વમાં ડભોઈના હજારો મુસ્લિમો દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી.
સોનુ ડાંગરની સામે કાનૂની કાર્યવાહી કરવાની માગણી સાથે કાઝીવાડા મસ્જિદના પ્રાંગણમાંથી મૌન રેલીનું પ્રસ્થાન થયું હતું. આ રેલી છીપવાડ બજાર, ટાવર, કંસારા બજાર, વડોદરી ભાગોળ થઈ સેવા સદન પહોંચી હતી અને ડેપ્યુટી કલેકટર ખ્યાતીબેન પટેલને ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહમ્મદ(સ.અ.વ.) વિરૂદ્ધ અભદ્ર અને આપત્તિજનક ટિપ્પણી કરનાર રાજકોટની બુટલેગર સોનુ ડાંગર સામે સખતમાં સખત કાનૂની પગલાં લેવા અને ભારતની એકતા, ભાઈચારો અને સદ્ભાવનાને ઠેસ પહોંચાડનાર સોનુ ડાંગરને ફાંસીએ લટકાવી દેવાની માગણી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
શુક્રવારની નમાઝ બાદ કાઝીવાડા મસ્જિદથી રેલી નીકળે એ પહેલાં મુસ્લિમ બિરાદરોએ પોતાના ધંધા રાજેગાર બંધ કરી દીધા હતા અને મોહમ્મદસાહેબ વિરૂદ્ધ ઝેર ઓકનાર સોનુ ડાંગરના નિવેદનનો વિરોધ નોંધાવવા મુસ્લિમોનું ઘોડાપૂર રેલીમાં જોડાયું હતું.