(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
એન્જિનિયરિંગનું ભણતા અને પરવટ પાટિયા મોડેલ ટાઉન રોડ પર રહેતા વિદ્યાર્થીએ મહિલા સાથે ફ્રેન્ડશીપ કરવાની લાલચમાં રૂા.૧.૦૩ લાખ ગુમાવ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પરવટ પાટિયા મોડલ ટાઉન રોડ પર કૈલાસનગરમાં રહેતો ૨૦ વર્ષીય ધવલ અરવિંદભાઈ પટેલ હાલ આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. ગત તા. ૨૮મી સપ્ટેમ્બરના રોજ પેપર વાંચતો હોવાથી તેમાં ફ્રેન્ડશીપની જાહેરાતમાં રસ દાખવ્યો હતો. ધવલે ન્યૂઝ પેપરમાં છાપેલા ફોન નંબર પર ફોન કરી મહિલા સાથે ફ્રેન્ડશીપ કરવાની વાત કરી હતી. જેથી ઠગે મહિલા સાથે મુલાકાત કરાવવાને બહાને ઓફ બરોડા અને એક્સિસ બેેંકના બેંક ખાતામાં ટૂકડે-ટૂકડે રૂપિયા ૧,૦૩,૧૦૦ ભરાવી દઈ છેતરપિંડી કરી હતી. ધવલ પટેલે આ અંગે લિંબાયત પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.