(સંવાદદાતા દ્વારા) માંગરોળ,તા.ર૯
માંગરોળ તાલુકાના નાંદોલા ગામે રહેતો ભુપેન્દ્ર મણિલાલ ચૌધરી કે જેણે તાલુકાના વડ અને ઈશનપુર ગામે ફરજ બજાવતી મહિલા તલાટી કમ મંત્રી નામે નિતિજ્ઞાબેન બચુભાઈ ચૌધરી, ઉમર આશરે ર૬ વર્ષ રહેવાસી આંબાવાડી, મંદિર ફળિયું, તા. માંગરોળને છેલ્લા થોડા દિવસોથી ફરજ દરમ્યાન હેરાન કરતો હતો અને કહેતો હતો કે હું ટીવી ચેનલનો પત્રકાર છું જેથી તને ખોટી રીતે ફસાવી દઈશ.
પરિણામે મહિલા તલાટી કમમંત્રી નિતિજ્ઞાબેન ચૌધરીએ, ભુપેન્દ્રભાઈ ચૌધરી વિરૂધ્ધ માંગરોળ પોલીસ મથકે એફઆઈઆર દાખલ કરતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. માંગરોળ પોલીસ મથકે દાખલ થયેલ એફઆઈઆરમાં જણાવાયું છે કે ભુપેન્દ્ર મણિલાલ ચૌધરી કોઈને કોઈ કામ વિના મારી ઓફિસે બદઈરાદાથી આવી બેસે છે. ત્યારે મે એમને જણાવ્યું કે તમારૂં સરકારી કોઈ કામ હોય તો બોલો અને કોઈ કામ ન હોય તો ઓફિસ છોડી ચાલ્યા જાવ, છતા ભુપેન્દ્રભાઈ બદઈરાદાથી દાનત બગાડી મારી સામે બેસી રહેતો જેથી હું કંટાળી જઈ મારા બીજા કામે ઓફિસ બંધ કરી બહાર જતી રહેતી હતી. છતાં એ મારી પાછળ આવી હેરાન કરતો આવેલ છે. મેં ભુપેન્દ્રભાઈને કહ્યું કે તું મારો પીછો કેમ કરે છે, ત્યારે ભુપેન્દ્રભાઈએ મારી સાથે બોલાચાલી કરી બદઈરાદો રાખી મને કહ્યું કે હું ટી.વી.નો પત્રકાર છું ? તને હું ખોટી રીતે ફસાવી દઈશ ? તેમ કહી ત્યાંથી ચાલ્યો ગયો હતો. માંગરોળ પોલીસે ઉપરોકત કહેવાતા ટીવી પત્રકાર ભુપેન્દ્ર મણિલાલ ચૌધરી વિરૂધ્ધ એફ.આઈ.આર. દાખલ કરી, હાલમાં વોન્ટેડ જાહેર કરી, વધુ તપાસ પીએસઆઈ એ.બી. મોરી ચલાવી રહ્યા છે.