(એજન્સી) થીરૂવનંતપુરમ, તા. ૧૪
કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિર બોર્ડ ચીફે એક વિવાદીત બયાન આપતાં એવું જણાવ્યું કે મહિલાનો પ્રવેશ મંદિરને ‘સેક્સ ટુરિઝમ સ્થળ’ માં ફેરવી નાખશે. સબરીમાલા મંદિર વિવાદના એક આઘાતજનક ઘટનાક્રમમાં કેરળ મંદિરના બોર્ડના વડાએ એક આઘાતજનક ટીપ્પણી કરતાં કહ્યું કે જો મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવામાં આવે તો તેનાથી મંદિર સેક્સ પ્રવાસ સ્થળમાં ફેરવાઈ જશે. ટ્રાવણકોર દેવસોમ બોર્ડના અધ્યક્ષ પ્રયાર ગોપાલકૃષ્ણાની આ ટીપ્પણી પર લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જો મહિલાઓનો પ્રવેશ આપવામાં આવે તો અમે તેમની સુરક્ષાની ખાતરી આપતાં નથી અમે મંદિરને થાઈલેન્ડ જેવા સેક્સ પ્રવાસન સ્થળમાં ફેરવી નાખવા માંગતા નથી. જો કોર્ટ પણ મહિલાઓના પ્રવેશની મંજૂરી આપે તો પણ મને નથી લાગતું કે સ્વસન્માન ધરાવતી મહિલા તેમાં પ્રવેશ કરે. આ સદીઓ જુની પરંપરા છે અને તેનું સન્માન કરવાનું હોય છે. જો મહિલાઓનો પ્રવેશ આપવામાં આવે તો તેનાથી ઘણી બધી સમસ્યા ખડી થશે. કોઈ વ્યક્તિ તેમની સુરક્ષાની ખાતરી ન આપી શકે. અનૈતિક ગતિવિધિઓ થવાની પણ શક્યતા છે. રાજ્ય સરકારે પણ બોર્ડ ચીફની આકરી ઝાટકણી કાઢી છે. રાજ્ય મંત્રી સુરેન્દ્રે કહ્યું કે મને ખબર નથી કે તેમણે શા માટે આવી ટીપ્પણી કરી. તેમણે મહિલાઓ અને શ્રદ્ધાળુઓ એમ બન્નું અપમાન કર્યું. તેમણે તેમની ટીપ્પણી પાછી ખેંચીને માફી માંગવી જોઈએ. આ પહેલા ૧૩ ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે સબરીમાલા વિવાદને બંધારણીય ખંડપીઠને રિફર કર્યો હતો. સુપ્રીમે બંધારણીય ખંડપીઠને આ કેસ મોકલી આપવાનો ચુકાદો ફેબ્રુઆરીમાં અનામત રાખ્યો હતો. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને પડકારતી જનહિતની એક અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી રહી છે.
ક્લિન શેવ : તિરૂમાલા મંદિરે શ્રદ્ધાળુઓ પાસેથી
ટીપ લેનાર ૨૪૩ વાળંદોને ઘરભેગા કર્યા
આંધ્રમાં આવેલા વિખ્યાત તિરૂમાલા મંદિરમાં કામ કરનાર ઓછામાં ઓછા ૨૪૩ વાળંદોને પાણીચું પકડાવ્યું છે. આ વાળંદોએ મૂંડન કરાવનાર શ્રદ્ધાળુઓ પાસેથી ટીપ લીધી હતી. જે પછી બરખાસ્ત કરવામાં આવેલા વાળંદોએ તેમને પુનઃનોકરીએ ચાલુ રાખવાની માંગણીએ ધરણા-પ્રદર્શન કર્યાં હતા. તિરૂમાલા તિરૂપતી દેવસ્થાન દ્વારા ત્રણ દિવસ પહેલા તેમને નોટીસ આપીને બરખાસ્ત કરવામાં આવ્યાં. શનિવારે વાળંદોએ ટીટીડીની વહિવટીય ઓફિસની સામે પ્રદર્શન કર્યું હતું અને તેમને નોકરીમાં પરત લેવાની માંગણી કરી હતી. તિરૂમાલા મંદિરમાં દરરોજના સાંઈઠ હજારથી સિત્તર હજાર યાત્રાળુઓ આવતાં હોય છે. અહિં આવતાં શ્રદ્ધાળુઓ મુંડન કરાવતાં હોય છે. લગભગ ૭૦ ટકા લોકો તેમના માથાનુ મૂંડન કરાવતાં હોય છે. ઓછામાં ઓછા ૯૪૩ વાળઁંદોને કરાર આધારિત કામ પર રાખવામાં આવ્યાં છે જેઓ બે શિફ્ટમાં કામ કરે છે. શ્રદ્ધાળુઓ પાસેથી મૂંડનના કોઈ પૈસા લેવામાં આવતાં નથી તેમ છતાં પણ વાળંદો તેમની પાસેથી પૈસા લેતા હોય છે. યાત્રાળૂઓ સત્તાધિશો સમક્ષ ફરિયાદ કરી હતી કે વાળંદો તેમની સાથે ૧૦ થી માંડીને ૫૦ રૂપિયાની ટીપ લઈ રહ્યાં છે જેને પરિણામે ટીટીડી દ્વારા તેમને બરખાસ્ત કરવામાં આવ્યાં. ટીટીડીની વિજિલન્સ અને સિક્યુરીટી પાંખ દ્વારા તપાસ કરવામાં આવતાં તથા મંદિર પરિસરમાં સ્થાપિત સીસીટીવી કેેમેરામાંથી મેળવવામાં આવેલા ફૂટેજને આધારે યાત્રાળુઓની વાત સાચી જણાઈ હતી જેને પરિણામે ટીટીડી એક્ઝિક્યુટીવ અધિકારી અનિલ કુમારે બુધવારે ૨૪૩ વાળંદોની હકાલપટ્ટી કરી નાખી. ટીટીડીના પ્રવક્તાએ કહ્યું કે હકાલપટ્ટી કરવામા આવેલા વાળંદો કોઈ નિયમીત કામદાર નથી તેમને કરાર પર રાખવામાં આવેલા છે. તેમને એક મૂંડન બદલ ૧૦ રૂપિયા ચૂકવવામાં આવે છે. તેમ છતાં પણ તેમણે લોકો પાસેથી ટીપ લેવાનું ચાલુ રાખ્યું તેથી અમને પગલાં ભરવાની ફરજ પડી. જોકે ૨૪૩ વાળંદોએ એવું કહ્યું કે અમે કદી પણ લોકો પાસેથી પૈસા લીધા નથી તેને બદલે લોકો રાજીખુશીથી અમને ટીપ આપતાં હોય છે.