વિસુર, તા.૨૪
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાં બીજેપી દ્વારા ઉમેદવારોની પસંગીને લઇ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે મહિસાગર જિલ્લાની ત્રણ બેઠકો માટે આજરોજ લુણાવાડા ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં જિલ્લાના બીજેપીના ૪૧ ટિકિટ વાંચ્છુકોની રજૂઆતોને સાંભળી હતી ત્યારે ટિકિટ મેળવવા માટે મુરતિયાઓની હોડ જામી હતી. સૌથી વધારે ૨૭ ઉમેદવારો લુણાવાડા સીટ પર માગણી કરી હતી. જેમાં બીજેપીના જિલ્લા પ્રમુખ જે.પી પટેલ, પૂર્વ સંસદ ભુપેન્દ્રસિંહ સોલંકીની સાથે કુલ ૨૭ ઉમેદવારોએ ટિકિટની માગણી કરી હતી. જેમાં વડોદરાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચ.એસ.પટેલ અને નાયબ કાર્યપાલક ઈજનેર પી.પી.પટેલે ટિકિટ માગતા માહોલ ગરમાયો હતો જ્યારે સંતરામપુર સીટ પર મહામંત્રી દશરથ બારિયા, કુબેરભાઈ ડિંડોર સહિત અન્ય સાત લોકોએ ટિકિટની માગણી કરી હતી જ્યારે બાલાસિનોર વીરપુર સીટ પર પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક, મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયા અને હાલ કોંગ્રેસમાંથી છેડો ફાડીને આવેલા ચાલુ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ તથા શંકરસિંહ વાઘેલાના ખાસ અને કોંગ્રેસના માજી પ્રમુખ મુકેશ શુક્લ સહિત અન્ય ૩ ઉમેદવારોએ ટિકિટ માગી હતી. જેને ધ્યાનમાં લઇ બીજેપીના કાર્યકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા જ્યારે કેટલાક ઉમેદવારોએ પોતાના કાર્યકર્તાઓને જણાવેલ કે, મારી ટિકિટ માટે વાત કરજો.